રાજકોટમાં શાકભાજી બન્યા મોંઘાદાટ

રાજકોટમાં શાકભાજી બન્યા મોંઘાદાટ
પ્રતિ કિલોએ ટમેટા રૂ. 120, ફલાવર રૂ. 100,  રીંગણાના રૂ. 80ના ભાવે છૂટક વેંચાણ
કશ્યપ જોષી
રાજકોટ, તા.22(ફૂલછાબ ન્યૂઝ): શિયાળાનો પગરવ મજબૂત બનવા લાગ્યો છે. સવારમાં ફૂલગુલાબીનો શહેરીજનો અહેસાસ કરી રહ્યાં છે. તેવા સમયે જ શહેરી શેરી-ગલીઓમાં શાકભાજી મોંઘાદાટ વેચાતા હોવાનો સૌમાં કચવાટ પેદા થયો છે. લોકોએ ત્યાં સુધી કહ્યું કે યાર્ડમાં એકદમ વાજબી ભાવે વેચાતા શાકભાજીના નાના કાછિયા, રેકડી મારફતે વેચતા ફેરિયાઓ ડબલ-ત્રણ ગણા ભાવ વસૂલી રહ્યાં છે. શાકભાજીના સળગી ગયેલા ભાવ બાબતે કાછિયા શાકભાજીની પૂરતી આવક ન થતી હોવાનું બહાનું બતાવે  છે, પણ સંબંધિતોએ આ વાતનો છેદ ઉડાવી ખોટી ઠેરવી છે.
રાજકોટમાં છેલ્લા અઠવાડીયાથી શાકભાજીના ભાવ ઉંચકાઈ ગયા છે. ઘરેઘરમાં રોજીંદા વપરાતા કોબીજ, ફલાવર, ગુવાર, ટમેટા, રીંગણા અને ભીંડાના ભાવ પ્રતિ કિલોએ રૂ. 80-120 સુધી પહોંચી ગયા છે. શિયાળાની ઠંડી શરૂ થાય તે પહેલા શહેરીજનોની ઠંડી ઉડાડી દેતા મોંધા શાકભાજીની સૌમાં બૂમરાણ મચી છે.
શ્રી પોપટલાલ સોરઠીયા સબ (શાકભાજી)માર્કેટ યાર્ડમાં વેચાતા શાકભાજીના ભાવમાં કોઈ ઉહાપોહ ન હોવાનું જાણવાં મળ્યુ છે. યાર્ડના ઈન્સ્પેક્ટર કે.વી.ચાવડાએ કહ્યું કે, તમામ પ્રકારની શાકભાજીની નિયમિત અને પૂરતી આવક થઈ રહી છે. ખેડૂતોને શાકભાજીના ભાવ પણ વાજબી મળી રહ્યાં છે. પણ અહીંથી જથ્થાબંધ શાકભાજી લઈને શહેરની શેરી-ગલીઓમાં રેકડી લઈને ઘૂમતા શાકભાજીના ધંઘાર્થીઓને દરેક શાકભાજીમાં યાર્ડથી ડબલ, ત્રણ ગણા ભાવે શાકભાજી વેચવાનું ચાલુ કર્યું હોવાની ફરિયાદ તેઓ સુધી પહોંચી છે.
યાર્ડમાં સસ્તા મળતા શાકભાજીમાં કોબીજના રૂ. 16-17, ટીંડોરા રૂ. 15, ગલકા રૂ. 27-28, બટેટા રૂ. 15, મૂળા રૂ. 16, રીંગણા રૂ. 25, મરચા-કાકડી રૂ. 35, સુરણ રૂ. 30, ફલાવર રૂ. 30, દૂધી-કારેલા રૂ. 25 નો સમાવેશ થાય છે.
જ્યારે યાર્ડમાં લીલુ લસણ રૂ. 90, ગુવાર રૂ. 70, સરગવો રૂ. 75, લીલી મેથી રૂ. 75, કોથમીર રૂ. 75, વાલોળ રૂ. 45માં અને ટમેટાં રૂ. 40માં પ્રતિ કિલો મળે છે.  આ તમામ શાકભાજીના ભાવ યાર્ડથી શહેરમાં પહોંચતા બે-ત્રણ ગણા થઈ જતા હોવાનો શહેરીજનોનો કચવાટ છે.
યાર્ડમના એક કર્મચારીએ એવું પણ કહ્યું શહેરમાં લોકોની કેટેગરી પ્રમાણે રેકડીવાળા શાકભાજીના વસૂલે છે. 
શાકભાજીની આવક ઘટી ગઈ હોવાની વાત બાબતે ચાવડાએ કહ્યું કે આ વાતમાં તથ્ય નથી. અત્યારે તમામ પ્રકારનું શાકભાજી નિયમિત પૂરતા જથ્થામાં આવે છે. અગાઉ બગડેલા શાકભાજીના ભાવ પાણી-પાણી થયા ત્યારે ખેડૂતો ગૌશાળામાં કે રસ્તે રઝળતા ઢોરને ખવડાવી દીધાના બનાવ બન્યા છે પણ હાલ આવી કોઈ વાત અસ્થાને  છે. માત્રને માત્ર તહેવારોને લઈને અમુક શાકભાજીના ધંઘાર્થીઓએ શહેરીજનોને આવક બાબતે ભરમાવીને શાકભાજીના ભાવ આસમાને પહોંચાડી દીધા છે તે ખરેખર ગેરવાજબી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer