રાજકોટમાં રૂ. 5.29 કરોડનું સોનું ઓળવી જનાર બોબી ઝડપાયો

રાજકોટમાં  રૂ. 5.29 કરોડનું સોનું ઓળવી જનાર બોબી ઝડપાયો
સોનું ગુમાવનાર વેપારીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ પાસે દોડયા: ઠગાઇનો આંક વધવાની શકયતા
રાજકોટ, તા. 22: શહેરના બારથી વધુ સોનીવેપારીઓનું રૂ. 5.29 કરોડનું 10 કિલોથી વધુ સોનું ઓળવી જવા અંગે મૂળ વડોદરાના પાદરા ગામના વતની અને હાલ કેવડાવાડીમાં રહેતાં તેજસ ઉર્ફે બોબી શીરીસભાઇ રાણપરાની પોલીસે ધરપકડ કરી હતી.સોનું ગુમાવનાર વેપારીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ પાસે દોડયા હતાં. ઠગાઇનો આંકડો વધવાની શકયતા છે.
દિવાળીના તહેવાર પર સોનીબજારમાં રોનક આવે તેવી આશા  છે ત્યારે શહેરના બારથી વધુ સોનીવેપારીઓને વિશ્વાસમાં લઇને  રૂ. દસ કરોડનુ 16 કિલોથી વધુ સોનું લઇને એક શખસ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ શખસ અંગે સોનીવેપારીઓએ પોતાની રીતે તપાસ કરી હતી પણ બોબી ઉર્ફે તેજસ રાણપરા નામનો શખસ હાથમાં આવ્યો ન હતો. બીજીતરફ કેવડાવાડીમાં રહેતાં આ શખસના પિતાએ તેનો પુત્ર ગુમ થયાની  પોલીસમાં જાહેરાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજીતરફ સોનું ગુમાવનાર વેપારીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતાં. આ વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ ક્રાઇમ બ્રાંચના અધિકારી દ્વારા રૈયા ટેલિફોન એકસચેન્જ પાછળ રહેતાં અને સોનીકામ કરતાં જશ્મીનભાઇ વલ્લભભાઇ કણસાગરાની  ફરિયાદ લીધી હતી. જેમાં જશ્મીનભાઇ કણસાગરા સહિત બાર જેટલા વેપારીઓનું રૂ. 10.495 કિલો સોનું લઇને તેજસ ઉર્ફે બોબી  શીરીસભાઇ રાણપરા નાસી ગયાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ફરિયાદ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. વી.કે.ગઢવી, સબ ઇન્સ. એમ.એમ.ઝાલા અને તેમના મદદનીશો ધીરેન માલકિયા, મહેશ મઢ, હીરેન સોલંકી, ઉમેશ ચાવડા સહિતની ટીમે સત્વરે તપાસ હાથ ધરીને કેવડાવાડીમાં રહેતાં મૂળ વડોદરાના પાદરા ગામના તેજસ ઉર્ફે બોબી શીરીસભાઇ રાણપરાને ઝડપી લીધો હતો.
પોલીસની તપાસમાં તેજસ ઉર્ફે બોબીએ નાના મોટા સોનીવેપારી પાસેથી 76 ગ્રામથી માંડીને સાડા ચાર કિલો જેટલુ સોનું મેળવું હતુ અને તેના દાગીના બનાવીને પરત આપવાના બદલે હાથ ઉંચા કરી દીધાનું ખુલ્યું હતું.આ ઠગાઇનો આંકડો વધવાની શકયતા છે.
આઠ વર્ષ પહેલા અમદાવાદમાં કારસ્તાન કર્યુ’તું
રૂ. પ.29 કરોડનું સોનું ઓળવી જવા અંગે પકડાયેલા તેજસ ઉર્ફે બોબી રાણપરાએ આઠ વર્ષ પહેલા 2013ની સાલમાં આ જ રીતે અમદાવાદમાં પણ કારસ્તાન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
એકાદ મહિનાથી વાયદા કરતો’તો
વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં દાગીના બનાવી દેવા માટે સોનું મેળવ્યા બાદ બોબીએ  દાગીના પરત કર્યા ન હતાં. વેપારીઓ દ્વારા ઉઘરાણી કરાતાં છેલ્લા એકાદ માસથી વાયદા કરતો હતો.
લોનના હપ્તા અને વ્યાજ ચૂકવવા કારસો કર્યો’તો
તેજસ ઉર્ફે બોબીએ તેણે ખરીદ કરેલ મકાન અને લીધેલી લોનના હપ્તા ચૂકવવા તથા વ્યાજે લીધેલા પૈસાનું ચૂકવણું કરવા માટે સોનું ઓળવી લીધું હતું. વેપારીઓ પાસેથી મેળવેલી દસ કિલોથી વધુ સોનામાંથી અડધુ સોનુ અને નાણા વ્યાજ અને હપ્તા પેટે ચૂકવી આપ્યા હતાં.
---------------
આઠ વર્ષથી વેપારીનો વિશ્વાસ કેળવતો’તો
અમદાવાદમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરવા અંગે પકડાયેલા તેજસ ઉર્ફે બોબી જામીન પર છૂટીને રાજકોટ આવ્યો હતો અને રાજકોટના સોનીવેપારીઓનો ધીમે ધીમે વિશ્વાસ જીતવાનું શરૂ કર્યુ હતું. સોની વેપારીઓ પાસેથી સોનું મેળવીને આઠ-દસ દિવસમાં દાગીના પરત આપી દઇને વિશ્વાસ જીત્યો હતો.વિશ્વાસ કેળવી લીધા બાદ મોટો હાથ માર્યો હતો.
-------------
લકઝરીયસ લાઇફ સ્ટાઇલ
નાના મોટા સોનીવેપારીઓનું પાંચ કરોડથી વધુનું સોનું ઓળવી જવા અંગે પકડાયેલ તેજસ ઉર્ફે બોબી લકઝરીયસ સ્ટાઇલથી જીવતો હતો. મર્સીડીઝ કારમાં ફરવાની સાથોસાથ દુકાન પણ રીનોવેટ કરાવીને આલીશાન ફર્નિચર બનાવ્યું હતું અને અંદાજે રૂ. 50 લાખનો ખર્ચ કર્યો હતો. તેની લકઝરીયસ સ્ટાઇલના કારણે વ્યાજે પૈસા લેવા પડયા હતાં અને તે વ્યાજના વિષચક્રમાં ફસાઇ જતાં ઠગાઇ કરવા સુધી પહોંચ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer