રાજકોટમાં એમડી ડ્રગ્સ જામનગરથી સપ્લાય થાય છે

રાજકોટમાં એમડી ડ્રગ્સ જામનગરથી સપ્લાય થાય છે
ક્રિકેટર અને તેની પૂર્વ પત્ની સહિત ત્રણ હોટલમાંથી ડ્રગ્સ લેતા પકડાયાં: પૂર્વ પત્નીએ જ ક્રિકેટરને ડ્રગ્સના
            બે ઇન્જેક્શન આપ્યાં’તાં
રાજકોટ, તા. 22: (ફૂલછાબ ન્યુઝ) રાજકોટ શહેરમાં એમડી નામનું ડ્રગ્સ જામનગરથી સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ સપ્લાય કરનાર જામનગરના શખસને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે ત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયેલા ક્રિકેટર આકાશ મનોજભાઇ અંબાસાણા, તેની પૂર્વ પત્ની અમી સહિત ત્રણ હોટલમાંથી ડ્રગ્સ લેવા ઝડપાયા હતાં.
અંડર -19 ક્રિકેટર રમેલો અને ડ્રગ્સના રવાડે ચડી ગયેલ આકાશ અંબાસણા નામનો ક્રિકેટર ચીઠી લખીને ઘરથી નિકળી ગયો હતો. આ અંગે તેની માતા અલ્કાબહેને પોલીસ સામે આક્ષેપ કરીને પુત્રને શોધ આપવાની માગણી કરી હતી. પોલીસે ગુમ થયેલા ક્રિકેટર આકાશ અંબાસણાની શોધ આદરી હતી. દરમિયાન આકાશ તેની પૂર્વ પત્ની અમી રેસકોર્સ રિંગરોડ પર આવેલી શિવશક્તિ હોટલમાં હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. હોટલના રૂમમાંથી આકાશ, તેની પૂર્વ પત્ની અમી અને ધાંચીવાડમાં રહેતો ઇરફાન અબ્બાસભાઇ પટણી  મળી આવ્યા હતાં.  રૂમમાં ગાદલા પરથી ત્રણ ઇન્જેક્શન મળી આવ્યા હતાં. જેમાં એક ખાલી, એક અડધુ ભરેલું અને એક આખુ ભરેલુ હતું. આ ઇન્જેક્શન અંગે પૂછપરછમાં તેમા એમડી ડ્રગ્સ હોવાનું જણાવાયું હતું. પોલીસે એ ત્રણેયની અટકાયત કરી હતી. ત્રણેયના બ્લડ સેમ્પલ લેવાયા હતાં અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ ફોરેન્સિક તપાસ માટે મોકલી અપાયો હતો.
પોલીસની પૂછપરછ અને તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, ક્રિકેટર આકાશ અંબાસણા 2015ની સાલથી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. તેને રાજકોટની સુધા ધામેલિયા નામની મહિલા ઉપરાંત કૌશિક રાણપરા, સમીર કાદરી, કરણક્કડ, મયુર ખત્રી, મયુર ધામેલિયા વગેરે ડ્રગ્સ પૂરું પાડતાં હતાં. આ એમડી ડ્રગ્સનો જથ્થો કયાંથી અને કેવી રીતે આવતો હતો તેની તપાસ કરતાં જામનગરના શખસ રાજકોટના તેના સાગરીતોને એમડી ડ્રગ્સનો જથ્થો પૂરો પાડતાં હતાં. જામનગરના શખસને ઝડપી લેવા માટે પોલીસે જાળ પાથરી છે. પોલીસે ક્રિકેટરના મિત્રોની શોધખોળ શરૂ કરી છે અને એમડી ડ્રગ્સનુંનેટવર્ક તોડવા પ્રયાસ શરૂ કર્યા છે.
માતા-પિતા વચ્ચે વિવાદ ચાલે છે
ક્રિકેટર આકાશના માતા અલ્કાબહેન પિતા મનોજભાઇ  વચ્ચે વિવાદ ચાલે છે. પતિ-પત્ની વચ્ચે ભળતું ન હોવાથી  પતિ દિલ્હી ખાતે રહે છે. જ્યારે ક્રિકેટર આકાશ અને તેની માતા રાજકોટમાં રહે છે.
ક્રિકેટરને રીહેબીલીટેશન સેન્ટરમાં મોકલાશે
ડ્રગ્સની લત છોડાવવા માટે ક્રિકેટર આકાશને રીહેબિલિટેશન સેન્ટરમાં સારવાર માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે. અટકાયતમાં લેવાયેલા ક્રિકેટરને સેન્ટર ખાતે મોકલવા અંગે તેની માતા અલ્કાબહેનને જાણ કરવામાં આવી છે.
વડોદરામાંથી ડ્રગસ અને ગાંજા સાથે મહિલા સહિત પાંચ પકડાયાં
વડોદરા:  શહેરના જુદા જુદા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ અને ગાંજા સાથે મહિલા સહિત પાંચને પોલીસે ઝડપી લીધા હતાં. જેપી રોડ પરથી કારમાં એમડી ડ્રગ્સ સાથે આજવા રોડ પર શિવમ પાર્કના સપન અજયભાઇ બ્રહ્મભટ્ટ, વાસણા રોડના ક્રિષ્ના ફલેટના રાજેશ્વરસિંગ ભુપેન્દ્રસિંગ રૂંવાર, માણેક પાર્ક સર્કલ પાસેથી ગાંજા સાથે રિક્ષાચાલક મહંમદ હુશેન સલીમમિંયા શેખ, કોયલી સ્મશાન પાસેથી રાજવીરસિંહ સરદારસિંહ રાજપૂત, સુભાષનગર દરગાહ સામેથી ઝરીના શેરખાન શેખને ગાંજા સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
---------
ડ્રગ્સનું સેવન કરનારની માહિતી આપો: ગૃહમંત્રી સંઘવી
અમદાવાદ, તા. 22: રાજ્યમાં ડ્રગ્સ બાબતે સરકાર અને પોલીસ બન્ને ગંભીર છે. ડ્રગ્સનું સેવન કરનારની માહિતી આપો તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે રાજકોટના ડ્રગ્સ અંગે જણાવ્યું હતું કે, આ કેસ સાથે સંકળાયેલા તમામની ધરપકડ કરવામાં આવી છે. જો તમને લાગતું હોય કે તમારા સંતાન ડ્રગ્સના રવાડે ચડી ગયા છે તો તેની જાણ કરો અને આ જાણકારીમાં તમામ બાળકોની ગોપનીયતા જાળવવામાં આવશે.
----------
સંગદોષના કારણે ડ્રગ્સના રવાડે ચડયો’તો
અંડર-19 ક્રિકેટ રમેલ આકાશ અંબાસણા છ વર્ષથી સંગદોષના કારણે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. તેના મિત્રો કૌશિક, સમીર, કરણ, મયુર સાથે તે તથા તેની પત્ની અમી પણ એમડી ડ્રગ્સના રવાડે ચડી હતી.
-------------
ડ્રગ્સ માટે વ્યાજે પૈસા લીધા’તાં
ડ્રગ્સના રવાડે ચડી ગયેલા ક્રિકેટર આકાશે ડ્રગ્સનો નશો કરવા માટે રામદેવસિંહ જાડેજા નામના શખસ પાસેથી રૂ. 17 હજાર વ્યાજે લીધા હતાં. રામદેવસિંહ દ્વારા આ પૈસાની પઠાણી ઉઠરાણી કરવામાં આવતી હોવાનું ખુલ્યું છે.
-------------
ક્રિકેટરે દસ દી’માં છૂટાછેડા લીધા’તાં
રાજકોટની અમી દિલીપભાઇ ચોલેરા નામની યુવતી સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર આકાશે ફક્ત દસ દિવસમાં છૂટાછેડા લઇ લીધા હતાં. ચાર માસ બાદ ફરીથી લગ્ન કર્યા હતાં. 2020માં ફરી છૂટાછેડા લીધા હતાં.
-------------
પિતાએ જાત જલાવી’તી
પતિ-પત્ની વચ્ચે ભળતું ન હોવાથી દિલ્હીમાં રહેતાં ક્રિકેટરના પિતા મનોજભાઇએ નવ વર્ષ પહેલા જાત જલાવી હતી. જેમાં તેઓ હાથમાં દાઝી ગયા  હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer