સુરતના કાપડના વેપારી સાથે 36 લાખની છેતરપિંડી

સુરત, તા. 23: શહેરના રિંગરોડ પર આવેલ અભિનંદન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીએ દલાલ મારફતે લિંબાયતમાં કાપડના વેપારીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ 30 દિવસમાં પૈસા ચૂકવી આપવાના વાયદાઓ સાથે કામ શરૂ કર્યું હતું અને લિંબાયતમાં ખાતું ધરાવતા કાપડના વેપારી પાસેથી કાપડનો માલ ખરીદી કર્યો હતો. માત્ર દોઢ મહિનાના સમયગાળા દરમિયાન 36 લાખનો કાપડનો માલ ખરીદી લીધો હતો. જો કે બાદમાં પૈસા આપવામાં ગલ્લાં તલ્લાં કરતા વેપારી અભિનંદન માર્કેટ પહોંચતા તેની સાથે ઠગાઇ થયાની જાણ થઇ હતી. 
બનાવની વિગત એવી છે કે, મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળના વતની 42 વર્ષિય દિનેશ આતુભાઇ કવાદ લિંબાયત વિસ્તારમાં લુમ્સનું કારખાનું ધરાવે છે.
બે મહિના પહેલા અંકિત જૈન તેમના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં અંકિત જૈને વિશાલ અગ્રવાલ (દુકાન નં-1097, અભિનંદન માર્કેટ રિંગરોડ), સતીષભાઇ (ઓમસાડી ના પ્રોપારાઇટર, દુકાનનં-19, રાધે માર્કેટ, રિંગરોડ), સંદિપભાઇ જાલાન ઉર્ફે ધાર્મિકભાઇ સાથે દિનેશભાઇની મુલાકાત કરાવી હતી. આ ત્રણેય કાપડના વેપારીઓ હોવાની અને રિંગરોડ પર અભિનંદન ટેક્સટાઇલ માર્કેટમાં તેમની દુકાન નં- 1097, રાધે માર્કેટમાં પદમાવતી ટ્રેડિંગ નામની અને ઓમ સાડી નામની દુકાન હોવાની વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં અંકિત જૈને તમામ વચ્ચે બેઠક કરાવી કાપડનો માલ લીધાના 30 દિવસમાં પૈસા ચૂકવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત તા. 10-09-2021થી તા. 12-10-2021ના સમયગાળા દરમિયાન રૂપિયા 36,08,870નો બ્લાટન રિંચ પલ્લુ કાપડનો માલ લીધો હતો અને આ માલના પૈસા 30 દિવસ બાદ પણ નહીં ચૂકવતા દિનેશભાઇએ પૈસાની ઉઘરાણી કરતા તમામ ભેગા મળી બન્ને દુકાન બંધ કરી પલાયન થઇ ગયા હતા જેથી આખરે દિનેશભાઇને પોતાની સાથે ઠગાઇ થયાની જાણ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ઠગાઇનો ગુનો નોંધી અગાળની તપાસ હાથ ધરી છે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer