માંગરોળના ઘોડાદરની સીમમાં વૃદ્ધને મારમારી રૂા.2.64 લાખના મુદ્દાલમાલની લૂંટ

જૂનાગઢ, તા.22: માંગરોળ પંથકમાં કાયદો-વ્યવસ્થાની પકડ ઢીલી હોય તેમ ગત રાત્રે ઘોડાદર ગામની સીમમાં રહેતા એક વૃદ્ધના ઘરમાં ચાર અજાણ્યા લૂંટારુઓએ ત્રાટકી વૃદ્ધને માર મારી રૂ.2 લાખ 64 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત પ્રમાણે માંગરોળના શીલ નજીક આવેલ ઘોડાદર ગામની સીમમાં રહેતા પરબત દેવશીભાઈ વાજા ઉં.75 નામના વૃદ્ધ પોતાના ઘરે  સૂતા હતા ત્યારે ચાર અજાણ્યા શખસ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો.
બાદમાં વૃદ્ધ પાસેથી પટારાની ચાવી મેળવી તાળુ ખોલી રૂ.64 હજારની કિંમતના સોનાના વેઢલા તથા ખેત જણસ વેંચાણના રૂ. બે લાખ રોકડા મળી કુલ રૂ.2 લાખ 64 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
આ વૃદ્ધ વાડીએ એકલા રહેતા હોય તેથી તેમને બૂમ પાડવાનો લૂંટારુઓએ મોકો આપ્યો નહતો અને લૂંટ ચલાવી નાસી ગયા બાદ આ વૃદ્ધએ ગામમાં પહોંચી પરિવારજનોને જાણ કરતા લોકો સીમમાં દોડી આવ્યા હતા. પરંતુ લૂંટારુઓનો પતો લાગ્યો ન હતો.
આ બનાવની શીલ પોલીસને જાણ કરતા મહિલા પી.એસ.આઈ વી.કે.ઉંજીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પરબતભાઈ દેવશીભાઈ વાજાની ફરિયાદના આધારે અજાણ્યા ચાર શખસ સામે લૂંટનો ગુનો નોંધી લૂંટારુઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી વિસ્તારમાં ચકચાર ફરી વળી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer