ગોંડલમાં કાર ડિવાઈડર ટપી હોટલમાં ઘૂસી ગઈ: બેને ઈજા

ગોંડલમાં કાર ડિવાઈડર ટપી હોટલમાં ઘૂસી ગઈ: બેને ઈજા
ગોંડલ, તા.22: અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રીના રાજકોટથી ગોંડલ તરફ આવી રહેલા તાલુકા પંચાયતના માજી સદસ્યની કાર બેકાબૂ બની ડિવાઈડર ટપી હોટલમાં ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં માજી સદસ્ય અને તેના મિત્રને ઈજા થતા પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પંચાયતના માજી સદસ્ય વાછરા ગામના રહેવાસી રાજેશભાઈ જેઠાણી અને દડવા ગામના જગાભાઈ ભરવાડ ગુરુવાર રાત્રિના નવ કલાકે રાજકોટથી ગોંડલ તરફ જી.જે.કે.પી.9002 કારમાં આવી રહ્યા હતા. ત્યારે કાર બેકાબુ બનતા બબ્બે ડિવાઈડર તથા સર્વિસ રોડ ટપી દ્વારકાધીશ હોટલમાં ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં રાજેશભાઈ અને જગાભાઈ ગંભીર રીતે ઘવાતા પ્રાથમિક સારવાર ગોંડલ હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત વેળા ઈમરજન્સી 108ને જાણ કરાઈ હતી. પણ એમ્બ્યુલન્સ નહીં આવતા નગરપાલિકા તથા સિવિલ હોસ્પિટલની મદદ મંગાઈ હતી પણ ત્યાં એમ્બ્યુલન્સ હાજર ના હોય ભોજપરાનાં સરપંચે પોતાની કારમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચતા કર્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer