આમિર ખાનની એડ્થી વિવાદ, હિંદુઓમાં અશાંતિનો આરોપ

આમિર ખાનની એડ્થી વિવાદ, હિંદુઓમાં અશાંતિનો આરોપ
ટાયરની જાહેરાતમાં ફટાકડાં ન ફોડવા અપીલ, ભાજપ સાંસદે વાંધો ઉઠાવ્યો
બેંગ્લુરૂ, તા.રર : બોલીવૂડ અભિનેતા આમિર ખાનની ટાયરની એક જાહેરાતને કારણે વિવાદ સર્જાયો છે. ભાજપના સાંસદે કંપનીના એમડીને પત્ર લખી આ જાહેરાતથી હિંદુઓમાં અશાંતિ ફેલાતી હોવાનો આરોપ લગાવ્યો છે.
કર્ણાટકમાં ઉત્તર કન્નડથી ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ આમિર ખાનની સીએટ ટાયરની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે જેમાં તે લોકોને રસ્તા ઉપર ફટાકડાં ન ફોડવાની અપીલ કરતો જોવા મળે છે. કંપની કે આમિર તરફથી હજુ કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. પૂર્વ કેન્દ્રિય મંત્રી હેગડેએ કંપનીના એમડી અને સીઈઓ અનંત વર્ધન ગોયનકાને 14 ઓકટોબરે પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું કે રસ્તા પર ફટાકડાં ન ફોડવાની જાગૃતતા સાથે શુક્રવારે અન્ય ખાસ દિવસોમાં મુસ્લિમોના નમાઝને નામે રસ્તાઓ બ્લોક કરવા અંગે પણ સંબોધિત કરવાની જરૂર છે. ઘણાં શહેરોમાં નમાઝ વખતે રસ્તાઓ બ્લોક કરાતાં હોવાના દ્રષ્યો સામાન્ય બન્યા છે. ટાયરની આ જાહેરાતથી હિંદુઓમાં અશાંતિ ફેલાઈ રહી છે. આશા છે કે સદીઓથી હિંદુ સમાજ સાથે કરાઈ રહેલા ભેદભાવને તમે અનુભવતાં હશો અને ભવિષ્યમાં કંપની હિંદુઓની લાગણીનું સમ્માન કરશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer