NCP નેતાના જમાઈ પાસેથી ગાંજો મળ્યાનો NCBનો દાવો ખોટો

NCP નેતાના જમાઈ પાસેથી ગાંજો મળ્યાનો NCBનો દાવો ખોટો
રેડ એક ષડયંત્ર, એ ગાંજો નહીં હર્બલ તંબાકુ છે : નવાબ મલિક
મુંબઈ, તા.14 : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) વચ્ચે ચાલી રહેલી લડાઈમાં નવો વળાંક આવ્યો છે.
એનસીબીએ નવાબ મલિકના જમાઈ પાસેથી ર00 કિલો ગાંજો ઝડપાયાનો દાવો કર્યા બાદ મલિકે પત્રકાર પરિષદ યોજી આરોપોનું ખંડન કરતાં દાવો કર્યો કે તેમના જમાઈ સમીર ખાન અને અન્ય બે ને ફસાવવામાં આવ્યા છે. એનસીબીને હર્બલ તંબાકુ અને ડ્રગ્સ વચ્ચે ભેદ ખબર નથી. કેમિકલ પરીક્ષણમાં તે હર્બલ તંબાકુ હોવાનું સામે આવ્યું છે. જે ચીજ તસવીરમાં દેખાઈ રહી છે તે સીલબંધ કેમ નથી ? તેનો સરકારી વકીલ પાસે કોઈ જવાબ નથી. મલિકે વધુમાં કહ્યું કે તેમના જમાઈની 13 જાન્યુઆરીએ ધરપકડ કર્યા બાદ આરોપ લગાવાયો કે તેમની પાસેથી ભારે માત્રામાં ગાંજો ઝડપાયો છે. પરંતુ ખરેખર ગાંજો મળ્યો નથી. ખોટા આરોપમાં ફસાવી તેમને જેલમાં મોકલવામાં આવ્યા અને લાંબો સમય તેને જેલમાં રહેવું પડયું હતું. કોર્ટે ડ્રગ્સની હેરાફેરી કે અન્ય કોઈ ષડયંત્રનું પુરવાર ન થયા બાદ જામીન મંજૂર કર્યા હતા.
પત્રકાર પરિષદમાં મલિકે કેટલીક તસવીરો જાહેર કરી હતી જે અંગે દાવો કરાયો હતો કે તે સમીરના નિવાસ સ્થાનની છે પરંતુ મલિકે દાવો કર્યો કે ઘટના સ્થળેથી નહીં એનસીબીની ઓફિસમાં સીઝ કરવામાં આવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer