એર ઇન્ડિયા કોલોની ખાલી કરવા ફરમાન

એર ઇન્ડિયા કોલોની ખાલી કરવા ફરમાન
ખાનગીકરણ બાદ કર્મીઓ પર પહેલી ગાજ: યુનિયનની હડતાળની ચીમકી
નવી દિલ્હી, તા.14: સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ થયા બાદ સ્ટાફની મુશ્કેલીઓ શરૂ થઈ છે અને કંપની દ્વારા ફાળવવામાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરવા ફરમાન થતાં યુનિયને હડતાળની ચીમકી આપતી નોટિસ પાઠવી છે.
ખોટના ખાડામાં ઉતરી ગયેલી એર ઇન્ડિયાને વેંચવાની કેન્દ્ર સરકારે આખરી ડિલ કર્યા બાદ આ કંપનીના માલિક હવે ટાટા સન્સ છે. મુંબઈના કાલિના સ્થિત એર ઇન્ડિયા સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરવા કર્મચારીઓને લેખિત સૂચના આપવામાં આવી છે જેનો યુનિયને વિરોધ કર્યો છે. યુનિયનની જોઇન્ટ એક્શન કમિટીએ બુધવારે મુંબઈના લેબર કમિશનરને નોટિસ આપી ર નવે.થી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી આપી છે.
નોટિસમાં યુનિયને જણાવ્યું કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ અમલી બન્યાના (ર0 ઓક્ટોબર) 6 મહિનામાં કંપનીના કર્મચારીઓ જે કોલોનીમાં રહે છે તે ખાલી કરી દેવા તાકીદ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે. મુંબઈ અને દિલ્હીમાં કંપનીની કોલોની આવેલી છે. કર્મચારી યુનિયને પ્રતિભાવમાં પત્ર લખી જણાવ્યું કે શ્રમ કાયદા અન્વયે આ અયોગ્ય છે. એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે આ કોલોનીઓમાં સ્ટાફના કર્મચારીઓ સામાન્ય રીતે નિવૃત્તિ સુધી પોતાના પરિવાર સાથે રહે છે. આ રીતે તેમને ઘરથી દૂર કરવા એ એકતરફી નિર્ણય છે. કર્મચારીઓનો આ કાનૂની અધિકાર છે અને અનેક દાયકાઓથી તેમની સર્વિસ કંડિશનનો ભાગ પણ છે. કોલોનીમાં ઘર એવા કર્મચારીઓને આપવામાં આવે છે જેમનું ખૂદનું ઘર નથી. જેના અવેજમાં તેમને એચઆરએ મળતું નથી. સાથે અનેક પ્રકારના ચાર્જ પણ તેમણે આપવાના હોય છે. ખાનગીકરણ સાથે જો કોલોની ખાલી કરાવાશે તો કર્મચારીઓ પરિવાર સાથે રસ્તા પર આવી જશે. વર્તમાન સમયમાં એર ઇન્ડિયામાં 1ર,08પ કર્મચારી છે જેમાં 8084 કાયમી અને 4001 કરાર આધારિત છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના 1434 કર્મચારી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer