સીંગતેલ બે દી’માં $ 70 ઘટયું, પામતેલમાં $ 100નો કડાકો

સીંગતેલ બે દી’માં $ 70 ઘટયું, પામતેલમાં $ 100નો કડાકો
નવા પાકની આવકો વધતા કપાસિયા તેલ $ 50, પામતેલ $ 100 ઘટી ગયું
(ફૂલછાબ ન્યુઝ) રાજકોટ, તા.14 : સૌરાષ્ટ્રમાં મગફળીની ચિકકાર આવક થવા લાગતા સીંગતેલના ભાવ દબાણ હેઠળ આવી ગયા છે. રોજ બરોજ ડબાના ભાવમાં ગાબડાં શરૂ થયા છે. બે દિવસમાં ડબે રૂ. 60-70 નીકળી ગયા છે. કપાસિયા તેલ પણ સતત તૂટી રહ્યું છે.બે દિવસમાં 50 ઘટી ગયુ છે.  જયારે સરકારે પામતેલ અને સુર્યમુખી તેલ પર એગ્રી સેસ અને ડયુટી ઘટાડતા સ્થાનિક બજારમાં આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડાની ચાલ શરૂ થઈ છે. ખાદ્યતેલોમાં ઘટતા જતા ભાવને લીધે ગરીબ તેમજ મધ્યમ વર્ગના વપરાશકારોએ હાશકારો અનુભવ્યો છે.
વેપારીઓ કહે છે કે અગાઉ સરકારે તેલ અને તેલિબીયા પર 31 માર્ચ 2022 સુધી સ્ટોક નિયંત્રણ લાદયો છે. હવે તહેવારો સમયે જ સરકારે સ્થાનિક બજારમાં ખાદ્યતેલોને અંકુશમાં લાવવા ખાદ્યતેલો પર ટેકસ ઘટાડી દેતા આયાતી તેલોના ભાવ ઘટી રહ્યાં છે.
વેપારીઓએ એવું પણ કહ્યું કે, વર્તમાન સમયમાં તહેવારો છતા ઘરાકીનો અભાવ, મગફળીની તોતીંગ આવક અને સરકારનો ટેકસ ઘટાડવાનો નિર્ણય એમ ત્રણેય બાબતો ખાદ્યતેલના ભાવમાં ઘટાડા પાછળ કારણભૂત છે.
નામ ન આપવાની શરતે એક અગ્રણી વેપારીએ એવું પણ કહ્યું કે, ખેડૂતોને મગફળીના ઉંચા ભાવ જોઈએ છે, ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને નીચા ભાવે ખાદ્યતેલો જોઈએ છે. આ બન્ને વચ્ચે વેપારીઓની હાલત હાલક ડોલક થાય તે સ્વભાવિક છે.  અન્ય વેપારીઓએ એવું પણ કહ્યું કે, સીંગતેલનો ભાવ અગાઉ રૂ. 2660 સુધીની સપાટીને પહોંચી ગયો હતો. એ ગણતરીએ અત્યારે સીંગતેલનો ડબો રૂ. 140-150 સસ્તો થઈ ગયો છે. આ વાતથી નબળાં વપરાશકારોએ તો હાશકારો અનુભવ્યો છે. પણ વેપારીઓમાં મુંઝવણ ઉભી થઈ છે.
ખાદ્યતેલોના વર્તમાન ઘટાડામાં સીંગતેલ અને કપાસિયા તેલમાં બે દિવસમાં રૂ. 60-70 ઘટી ગયા છે. જયારે પામતેલમાં રૂ. 100 નીકળી ગયા છે.
ખેડૂતો કહે છે કે એક બાજુ મગફળીની વિક્રમી આવક શરુ થઇ છે ત્યારે જ સરકારના આવા નિર્ણયથી ખેડૂતોને મગફળીના ધાર્યા ભાવ નહિ મળે અને મોટી નુકશાની સહન કરવી પડશે તેવું અભ્યાસુઓ કહે છે. સોમાના પ્રમુખ સહિતના અગ્રણી વેપારીઓ અને મિલરોએ પામતેલ, સૂર્યમુખી, સોયાતેલની આયાત જકાત ઘટાડવાનો લીધેલો નિર્ણય અયોગ્ય સમયનો ગણાવ્યો છે. આ બાબતે જે હોય તે પણ અત્યારે તહેવારો સમયે સરકારે ખાદ્યતેલોના ભાવ નિયંત્રણમાં લાવીને લોકોને રાહત આપવા મોટુ પગલુ ભર્યાનું ગણાવાઈ રહ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer