બંગલાદેશમાં દુર્ગા પૂજાના પંડાલોમાં તોડફોડ : 3નાં મૃત્યુ

બંગલાદેશમાં દુર્ગા પૂજાના પંડાલોમાં તોડફોડ : 3નાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 14 : બંગલાદેશમાં ઉપદ્રવીઓ દ્વારા દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ કર્યાના બનાવો સામે આવ્યા છે. જેને લઈને સરકાર તરફથી આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે મોટાભાગના હુમલા કમિલા જિલ્લામાં થયા છે. રિપોર્ટ મુજબ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કથિત રીતે એક પૂજા સ્થળે કુરાનના અપમાન બાદ હિંસા ભડકી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે તેઓને ધાર્મિક આયોજન દરમિયાન હુમલાના રિપોર્ટ મળ્યા છે અને તેઓ બંગલાદેશ સરકાર સાથે સંપર્કમાં છે. બીજી તરફ આ મામલે પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પીએમ મોદીને પત્ર લખીને ઘટનાની જાણકારી આપી છે અને હસ્તક્ષેપની માગણી કરી છે. બંગલાદેશના પીએમ શેખ હસિનાએ ચેતવણી આપી છે કે હુમલામાં સામેલ કોઈને છોડવામાં આવશે નહી. તેઓને ફરક નથી પડતો કે હુમલો કરનારા ક્યા ધર્મના છે.
ચાંદપુરના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી, ચપેનવાબગંજના શિબગંજ અને કોક્સ બજારના પેકુઆમાં મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ દુર્ગાની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. હિંસાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ હતી. ચાંદપુરની એક હોસ્પિટલે કહ્યું હતું કે, તેઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જેને લઈને હોસ્પિટલનું માનવું છે કે આ મૃત્યુ હિંસામાં થયું છે. બંગલા દેશના સુરક્ષા અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા છે.
બંગલાદેશમાં દુર્ગાપુજાના પંડાલ ઉપર હુમલા મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે, બંગલાદેશમાં  ધાર્મિક આયોજન દરમિયાન આક્રમણની અમુક પરેશાન કરતી ઘટનાઓના રિપોર્ટ મળ્યા છે. બંગલાદેશ સરકાર કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તૈનાતી સહિતના પગલા ભર્યા છે. આ મામલે બંગલાદેશ સરકાર સાથે મંત્રાલય સંપર્કમાં છે. બંગલાદેશ સરકારે પોલીસ અને બીજી સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંગલાદેશમાં દુર્ગાપુજા આયોજન થઈ રહ્યાછે અને તેમાં બંગલાદેશ સરકાર અને જનતાનો ઘણો સહયોગ રહ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer