પોરબંદરના નીરમા ફેક્ટરીના બકેટ પડવાના બનાવમાં મૃતક એન્જિનિયર સહિત છ સામે ગુનો નોંધાયો

પ્રોડક્શન એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, સિનિયર એન્જિનિયર, પ્રોડકશન હેડ અને સેફટી હેડ સામે ફરિયાદ થતાં ધરપકડની તજવીજ
પોરબંદર, તા. 14: સૌરાષ્ટ્ર કેમિકલની નીરમા ફેકટરીમાં બકેટ પડવાના કારણે જૂનાગઢના એન્જિનિયર અને વેલ્ડરના થયેલા મૃત્યુ અંગે પ્રોડક્શન એન્જિનિયર સહિત છ સામે ગુનો નોંધાયો હતો.
આ અંગે વિરડી પ્લોટમાં રહેતાં અને મજૂરી કામ કરતાં ભરતભાઇ રાજુભાઇ પાંડાવદરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૃતક એન્જિનિયર હિરેન અગ્રાવત ઉપરાંત મિકેનિકલ સિનિયર એન્જિનિયર મનિષ રાઠોડ, પ્રોડક્શન ઇજનેર રશીદ બાદી, સિનિયર એન્જિનિયર દીપક યોગાનંદી, પ્રોડક્શન હેડ એ.કે.સિંઘ અને સેફટી વિભાગના હેડ પી. સુરેશના નામ આપ્યા હતાં. આ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, નીરમા ફેક્ટરીના લાઇન ક્લિન વિભાગમાં પ્રોડક્શન ઇજનેર રશીદ બાદીની ફરજ કંપનીમાં કામ કરતાં માણસોની સલામતી  જોવાની હોય છે અને કામ અનુસાર જરૂરિયાત મુજબના સલામતીના સાધનો મીકેનીકલ વિભાગમાંથી આપવાના હોય છે, જેનું મૃત્યુ થયું તે હિરેન અગ્રાવત અને મિકેનિકલ સિનિયર એન્જિનિયર મનિષ રાઠોડની જવાબદારી સમગ્ર સાઇટ પર કોઇ અકસ્માત થાય નહીં તે જોવાની હોય છે તથા જરૂરી સાધનો પૂરા પાડવાની જવાબદારી પણ તેમની હોય છે.  સિનિયર એન્જિનિયર દીપક યોગાનંદી, પ્રોડક્શન હેડ એ.કે.સિંઘ અને સેફટી વિભાગના હેડ પી સુરેશની રીપેરિંગ કામ કરનારની સલામતી જળવાઇ રહે છે અને જરૂરી પ્રક્રિયા પૂરી થાય અને અકસ્માતનો કોઇ ભય રહે તે રીતે તેની નીચેના માણસો કામ કરે છે કે કેમ તે જોવાની જવાબદારી છે. આ તમામે કોઇ કાર્યવાહી નહીં કરી યંત્રથી ઇજા થવાનો ભય હોવાનું જાણવા છતાં વર્કઓડર આપીને વેબીન ઉપરથી પડે તો ગંભીર ઇજા થાય અને મૃત્યુ નિપજે તેવું જાણવા છતાં સલામતીના કોઇ પગલાં નહીં લઇને બેદરકારી  દાખવતાં અકસ્માત સર્જાયો હતો અને બે વ્યક્તિના મૃત્યુ થયા હતાં. પોલીસે પાંચની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer