ઓખા મઢીમાં અંધશ્રદ્ધામાં યુવતીના મૃત્યુના બનાવમાં પાંચ શખસની અટકાયત

ઓખા મઢીમાં અંધશ્રદ્ધામાં યુવતીના મૃત્યુના બનાવમાં પાંચ શખસની અટકાયત
ખંભાળિયા, તા. 14: દ્વારકાનાં ઓખા મઢી ગામે અંધશ્રદ્ધામાં યુવતીનાં થયેલાં મૃત્યુના બનાવમાં પાંચ શખસ સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. મેલુ કાઢવાના બહાને યુવતીને સાંકળથી ઢોરમાર મારી શરીરે ડામ દઈને મારી નાખવામાં આવી હતી.દ્વારકાનાથી 25 કિલોમીટર દૂર જામનગર હાઇ-વે પર આવેલાં ઓખા મઢી ગામની સીમમાં આવેલા મેલડી માતાજીનાં મંદિરે નવરાત્રી દરમિયાન પરિણીત યુવતી રમીલા ધૂણવા લાગી હતી. આથી તેના પરિવારના રમેશ લખમણભાઈ સોલંકી, અર્જુન ઉર્ફે ભૂરી ભરતભાઈ સોલંકી, વેરશી માકાભાઈ સોલંકી, મનુ વીરાભાઈ સોલંકી અને ભાવેશ મકાભાઈ સોલંકીએ ‘આ મસાણની મેલડી છે, આને મારો નહીંતર આપણે બધાને મારી નાખશે’, તેમ કહીને લોખંડની સાંકળ ચુલામાં તપાવીને સાંકળ રમીલાને મારી હતી. વારાફરતી સાંકળથી માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં રમીલાને સળગતા લાકડાથી ડામ પણ આપવામાં આવ્યો હતો. તેનાં કારણે રમીલાનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ વાલાભાઈ સોલંકીની ફરિયાદ પરથી રમેશ સોલંકી સહિત પાંચ સામે હત્યા સહિતના આરોપસરનો ગુનો નોંધી અટકાયત કરાઈ છે. આ બનાવ અંગે દ્વારકાના પીઆઇ પી.બી.ગઢવી અને તેના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer