દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર ત્રણ લાખની લાંચ લેતા પકડાયાં

દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર ત્રણ લાખની લાંચ લેતા પકડાયાં
હથિયારનું લાયસન્સ ઇસ્યુ કરવાના બદલામાં લાંચની માગણી કરી’તી
(ફૂલછાબ ન્યુઝ)
ખંભાળિયા, તા. 14:  દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારી(ડેપ્યુટી કલેક્ટર) અને દ્વારકા મંદિરના વહીવટદાર નિહાર દૂધાભાઇ ભેટારિયા રૂ. ત્રણ લાખની લાંચ લેવાના આરોપસરના છટકામાં ઝડપાયા હતાં. હથિયારનું લાયસન્સ ઇસ્યુ કરવાના બદલામાં લાંચની માગણી કરી હતી.
પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો મેળવવા માટે ત્રણ વ્યક્તિએ દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી સમક્ષ અરજી (દરખાસ્ત) કરી હતી.  હથિયારના લાયસન્સ મંજૂર કરવાના બદલામાં પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેક્ટર) ભેટારિયાએ વ્યક્તિ દીઠ રૂ. એક લાખની લાંચની માગણી કરી હતી. કુલ ત્રણ પરવાના મંજૂર કરવા માટે રૂ. ત્રણ લાખની માગણી કરી હતી પરંતુ હથિયાર અંગે અરજી કરનાર આસામી લાંચ આપવા માગતા ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતું. જેમાં રૂ. ત્રણ લાખની લાંચ લેતા પ્રાંત અધિકારી કમ ડેપ્યુટી કલેક્ટર નિહાર દૂધાભાઇ ભેટારિયા ઝડપાઇ ગયા હતાં. આ અધિકારીની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચની કાર્યવાહી કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માગણી કરાશે અને બાદમાં તેમની બેનામી મિલકત અંગે બેંકના લોકર સહિતની બાબતે પણ તપાસ કરાશે તેમ જાણવા મળે છે.
-----
શહેરાના મહિલા ટીડીઓ સહિત ચાર લાંચ લેતા ઝડપાયા
ગોધરા, તા. 14: પંચમહાલના શહેરાના મહિલા ટીડીઓ ઝરીના વસીમ અંસારી, હિસાબી સહાયક હેમંત મફતભાઇ પ્રજાપતિ, કરાર આધારિત કર્મચારી કીર્તિપાલ ઇન્દ્રસિંહ સોલંકી અને રીયાઝ મન્સુરી લાંચ લેવાના આરોપસરના ગુનામાં પકડાયા હતા. મનરેગા યોજનાનાં કામ કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય કરાયેલા રો મટિરિયલના અને આરઆરપી યોજનાનાં બિલનાં નાણાં મંજૂર કરવાના બદલામાં  રૂ. 4.45 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી.
-----------
સુત્રાપાડાના ટીડીઓ રૂ.પાંચ હજારની લાંચ લેતા ઝડપાયાં
મંડળીનું રૂ. પાંચ લાખનું બિલ પાસ કરવા રૂ. 50 હજારની લાંચ માગીને તેના પેટે રૂ. પાંચ હજાર લીધા’તાં
(ફૂલછાબ ન્યુઝ)
વેરાવળ/સુત્રાપાડા, તા. 14: સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર રૂ. પાંચ હજારની લાંચ લેવાના આરોપસરના છટકામાં તેની કચેરીમાં ઝડપાયા હતાં.મંડળીનું રૂ. પાંચ લાખનું બિલ પાસ કરવાના બદલામાં લાંચની રકમ લીધી હતી. સુત્રાપાડાના લોઢવા ગ્રામ પંચાયતના એક રસ્તાનું પેવર બ્લોકનું કામ કરવા માટે ટેન્ડરપ્રક્રિયા થઇ હતી. આ ટેન્ડર પીપળવા ગામની સહકારી મંડળીના સંચાલક વાઝા ભગવાનભાઇ વાસાભાઇને  રૂ. પાંચ લાખમાં મળ્યું હતું. કામ કર્યા બાદ મંડળીના સંચાલકે બિલ મૂકયું હતું. સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા આ કામનું માપ અને ગુણવત્તા ચેક કરાઇ હતી. બાદમાં બિલ સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર પાસે મૂકવામાં આવ્યું હતું. આ બિલ પાસ કરીને તેની રકમ ચૂકવી આપવા માટે અવારનવાર રજૂઆત થઇ હતી. બાદમાં કોન્ટ્રાકટર અને  ટીડીઓ વચ્ચે બિલ પાસ કરવાના બદલામાં રૂ. પ0 હજાર આપવાનું નક્કી થયું હતું. એ પછી કોન્ટ્રાકટર દ્વારા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં લાંચના હપ્તા પેટે રૂ. પાંચ હજાર સુત્રાપાડાના ટીડીઓ અમૃત પરમારને આપવાના હોવાનું જણાવાયું હતું. આ ફરિયાદના આધારે બ્યુરોના અધિકારીઓ અને સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું. તેમાં ટીડીઓ અમૃત પરમાર તેની કચેરીમાં લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer