ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ શ્રેણીમાં દ્રવિડ ટીમ ઇન્ડિયાના કોચ ?

ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ શ્રેણીમાં દ્રવિડ ટીમ ઇન્ડિયાના કોચ ?
રવિ શાત્રીના સ્થાને પૂર્ણકાલિન કોચ પર BCCI બાદમાં નિર્ણય લેશે
નવી દિલ્હી, તા.14: રાહુલ દ્રવિડને ન્યુઝીલેન્ડ વિરૂધ્ધની ઘરેલુ શ્રેણીમાં વચગાળાના કોચનો કાર્યભાર સોંપવામાં આવે તેવી સંભવાના છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ આ જવાબદારી સોંપવા માટે દ્રવિડ સાથે સંપર્કમાં છે. હાલના મુખ્ય કોચ રવિ શાત્રી અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ ટી-20 વિશ્વ કપ બાદ સમાપ્ત થઇ રહ્યો છે. નવા કોચની પસંદગીમાં સમય લાગી શકે છે. આથી ક્રિકેટ બોર્ડે અનુભવી રાહુલ દ્રવિડને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાનાર શ્રેણીમાં કોચની જવાબાદારી સોંપવાનું મન બનાવી લીધું છે. દ્રવિડે શ્રીલંકાના પ્રવાસમાં શાત્રીની ગેરહાજરીમાં યુવા ભારતીય ટીમના કોચની જવાબદારી સંભાળી જ હતી.
રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે કેટલાક ઓસ્ટ્રેલિયન કોચોએ રસ દાખવ્યો છે. જો કે બોર્ડ બહુ ઉત્સુક નથી. બીસીસીઆઇની યોજના કોઇ ભારતીયને જ કોચપદ સોંપવાની છે. એ પછી અન્ય વિકલ્પ શોધશે. બીસીસીઆઇ રાહુલ દ્રવિડને પૂર્ણકાલિન કોચ બનાવવા ઇચ્છુક છે, પણ પૂર્વ કપ્તાન આ માટે હજુ તૈયાર નથી. રાહુલ દ્રવિડ હાલ બેંગ્લોર સ્થિન નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના અધ્યક્ષ છે.
બીસીસીઆઇ હજુ સુધી કોચપદ માટેની અરજીઓ મંગાવી નથી. અરજી મંગાવશે ત્યારે થોડું ચિત્ર સ્પષ્ટ થશે. એવું પણ જાણવા મળે છે કે અગાઉ ક્રિકેટ બોર્ડે શાત્રીને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી સુધી ચાલુ રાખવાનું નકકી કર્યું હતું, પણ પછી તેમાં ફેરફાર કર્યોં છે. શાત્રી સાથે બીસીસીઆઇ ટી-20 વિશ્વ કપ બાદ છેડો ફાડશે.  શાત્રીની સાથોસાથ બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર અને ટ્રેનર નિક વેબનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. બેટિંગ કોચ વિક્રમ રાઠોડ યથાવત રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer