IPL ચેમ્પિયન કોણ? આજે CSK વિ. KKRની ફાઇનલ ટક્કર

IPL ચેમ્પિયન કોણ? આજે CSK વિ. KKRની ફાઇનલ ટક્કર
ધોનીની ચતુર કપ્તાની સામે કોલકતાની સ્પિન જાળ: આંકડા અને ફોર્મ ચેન્નાઇના પક્ષમાં: અન્ડર ડોગ કોલકતા વધુ એક અપસેટ કરવા આતુર
દુબઇ, તા.14: આઇપીએલની 14મી સિઝનનો ફાઇનલ મુકાબલો શુક્રવારે મહેન્દ્રસિંહ ધોનીના કરિશ્માઈ કપ્તાની તળેની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ સ્પિન ત્રિપુટીના સહારે ખિતાબી જંગમાં પહોંચનાર કોલકતા નાઇટ રાઇડર્સ સામે થશે ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને ઇંતઝાર રહેશે કે દશેરના દિવસે કોનું ઘોડું દોડે છે. અનુભવી ખેલાડીઓની ટીમ સીએસકે પ્રભુત્વ જમાવે છે કે પછી રાખમાંથી બેઠી થયેલી કેકેઆરની ટીમ બાજી મારે છે. આંકડા અને દેખાવની દૃષ્ટિએ ધોનીની ટીમનું પલડું ભારે લાગી રહ્યંy છે. મોર્ગન પાસે કાંઈ ખોવાનું નથી. તે ખુદ કંગાળ ફોર્મમાં છે. તેના માટે કોલકતાને વિજેતા બનાવીને સુકાનીપદ છોડવાની સોનેરી તક છે.
આંકડાની વાત કરીએ તો ચેન્નાઇની ટીમ 12 સિઝનમાંથી નવમી વખત ફાઇનલમાં પહોંચી છે. જો કે તે ત્રણ વખત જ વિજેતા બની શકી છે. પાંચ વખત ઉપવિજેતાપદથી સંતોષ માનવો પડયો છે જ્યારે કેકેઆરની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી છે. કેકેઆરને બન્ને ખિતાબ ગૌતમ ગંભીરના સુકાનીપદ હેઠળ પ્રાપ્ત થયા છે. ફાઇનલ સુધી પહોંચવાની કલા ધોનીની ટીમથી વધુ કોઇ ટીમ જાણતી નથી. બીજી તરફ કોલકતાએ આખરી ખિતાબ 2012માં જીત્યો હતો ત્યારે બે દડા બાકી રહેતા 190 રનનો પડકારરૂપ લક્ષ્ય હાંસલ કર્યો હતો.
ચેન્નાઇની ચોથા ખિતાબ જીતવાની સંભાવના એ વાત પર નિર્ભર કરે છે કે તે કેકેઆરની સ્પિન ત્રિપુટી વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ અને શકિબ અલ હસન સામે કેવું સંતુલિત પ્રદર્શન કરે છે. જો કે ફાઇનલ મેચનું અલગ દબાણ હોય છે. ધોની જેવા ચતુર સુકાનીને લીધે ચેન્નાઇની રાહ થોડી આસાન હશે તેવું માનવામાં આવે છે. ધોનીનો સરળ મંત્ર છે. અનુભવ પર ભરોસો રાખો. તેણે યુવા ઋતુરાજ ગાયકવાડમાં આત્મવિશ્વાસ ભર્યો છે. તે સિઝનમાં 600થી વધુ રન કરી ચૂક્યો છે. ચેન્નાઇની ટીમનો પ્લસ પોઇન્ટ દબાણ વગર રમવું તે છે. જે ફાઇનલમાં કોલકતા પર ભારે પડી શકે છે. તેના બેટિંગ અને બોલિંગમાં સંતુલન અને ઉંડાઇ છે. ખુદ સુકાની ધોની પર ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. તેણે દિલ્હી સામે પ્લેઓફ મેચમાં પ દડામાં અણનમ 18 રન કરીને ટીમને જીત અપાવી હતી. ટીમ ખેલાડીઓ પાસે સારો અનુભવ છે. ધોની 40 પાર કરી ચૂક્યો છે. તો પ્લેસિસ 37, બ્રાવો 38, રાયડુ અને ઉથપ્પા 36 વર્ષના છે. રવીન્દ્ર પણ 30 ઉપરનો છે. આ બધા તેમના અનુભવથી યુવા ખેલાડીઓ પર ભારે પડી રહ્યા છે.
 બીજી તરફ કોલકતાની ટીમ માંડમાંડ પ્લેઓફમાં પહોંચ્યા બાદ હવે શાનથી ફાઇનલમાં પહોંચી છે. તેણે પ્લેઓફના મુકાબલામાં પહેલા બેંગ્લોરને પછી દિલ્હીને હાર આપી છે. આથી આ ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. તેની પાસે ત્રીજીવાર ચેમ્પિયન બનાવાની તક છે. જો કે આ માટે તેના મીડલઓર્ડરે ક્ષમતા અનુરૂપ દેખાવ કરવો પડશે. જે પાછલા કેટલાક મેચથી નિષ્ફળ જઈ રહ્યંy છે. જે પાછલા દિલ્હી સામેના મેચ દરમિયાન પણ જોવા મળ્યું હતું. જે મેચ 10-1પ દડા પહેલા જીતી શકાય તેમ હતો તે મેચમાં અંતિમ બે દડા બાકી હતા ત્યારે જીત મેળવી હતી. ટીમનો સુકાની ઇયોન મોર્ગન કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. અનફિટ સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફાઇનલમાં રમશે કે નહીં ? તે લાખ રૂપિયાનો સવાલ છે. કેકેઆર માટે ફરી એકવાર વૈંકટેશ અય્યર સારી શરૂઆત અપાવી શકે છે. જો કે હુકમના એક્કા તો સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જ હશે. આ બે મિસ્ટ્રી સ્પિનર સામે ધોનીની ટીમના બેટધરોની કસોટી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer