મોરબી પેપરમીલ ઉદ્યોગને ઉત્પાદનમાં 80% કાપ મુકવો પડે તેવી સ્થિતી !

મોરબી પેપરમીલ ઉદ્યોગને ઉત્પાદનમાં  80% કાપ મુકવો પડે તેવી સ્થિતી !
-મોરબીમાં દૈનિક 2500 ટન કોલસાની જરૂરીયાત: સરકાર દ્વારા ફાળવાય છે માત્ર 20% કોલસો
મોરબી, તા.13: સમગ્ર દેશમાં કોલસાની અછતથી વીજ સંકટ ઝળુંબી રહ્યું છે ત્યારે મોરબીના ઉદ્યોગ પર પણ કોલસાની અછતે માઠી અસર કરી છે અને મોરબીના પેપરમિલ ઉદ્યોગને સરકાર તરફથી મળતા કોલસામાં કાપ મૂકવામાં આવતા કોલસાની તંગીને પગલે પેપરમિલ ઉદ્યોગને આગામી દિવસોમાં 80 ટકા સુધી ઉત્પાદન કાપ મુકવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
કોલસાની અછતથી મોરબીના પેપરમિલ ઉદ્યોગની દશા બગડી છે. જે મામલે મોરબી પેપરમિલ એસો પ્રમુખ વિપુલભાઈ કોરડીયા જણાવે છે કે મોરબી આસપાસના વિસ્તારમાં 45થી વધુ પેપરમિલ યુનિટો ધમધમે છે. હાલ કોલસાની અછત છે અને સરકાર દ્વારા જીએમડીસી મારફત જે કોલસો ફાળવાય છે તે હાલ 20 ટકા જ મળે છે અને ઋખઉઈ મારફત મળતા કોલસાના 2700 થી 3000 રૂ પ્રતિ ટનના ભાવ સામે પેપરમિલ ઉદ્યોગપતિઓએ ઈન્ડોનેશીયન કોલ 12 હજાર રૂપિયા પ્રતિ ટનના ભાવથી ખરીદવો પડે છે. જોકે પેપરમિલ બોઈલર ડીઝાઈન માટે લિગ્નાઈટ કોલસો જ ઉત્તમ રહે છે. જે ભાવમાં સસ્તો છે અને ગુણવત્તાની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. હાલ મોરબીમાં પ્રતિદિન 8000 થી 8500 ટન પ્રોડક્શન પેપરમિલ ઉદ્યોગ કરે છે જેના માટે દૈનિક 2200 થી 2500 ટન કોલસાની જરૂરત રહે છે. જો કે ઋખઉઈ દ્વારા 20 ટકા જ મળે છે. જેથી ઉદ્યોગપતિઓએ પ્રાઈવેટ ઈમ્પોર્ટરો પાસેથી ખરીદવાની ફરજ પડે છે.
વધુમાં કહે છે કે જો આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં 70 થી 80 ટકા ઉત્પાદન કાપ મુકવો પડશે અને સ્થિતિ લાંબી ખેચાશે તો પેપરમિલ બંધ કરવાનો વારો આવશે. સરકાર પાસે માંગ કરી હતી કે 3 મહિના પહેલા ડીઓ સેક્શન કરેલ હોય તે પ્રમાણે 100 ટકા ડીઓ ફાળવવામાં આવે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer