આનંદો ! સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ

આનંદો ! સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ
- રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતના યુવાઓ માટે મહત્ત્વનો નિર્ણય
 
અમદાવાદ, તા.13 : કોરોના સમયગાળા દરમિયાન  રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શક્યુ નથી ત્યારે રાજ્યના યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ તક મળી શકે તે હેતુથી સરકારી નોકરીઓની ભરતી માટેની વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપીને વધુને વધુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય આજે રાજ્યમંત્રી મંડળે કર્યો છે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રહેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. 
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, વય મર્યાદાની આ છૂટછાટ તા. 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષની લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારોમાં હાલની 3પ વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિનઅનામત પુરુષ ઉમેદવારો માટે હાલની 33 વર્ષની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરીને હવે 34 વર્ષ કરવામાં આવી છે.  શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો)ની કેટેગરીના પુરુષ ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વય મર્યાદા 40 વર્ષની છે તેમાં એક વર્ષનો વધારો કરીને 41 વર્ષ કરવામાં આવી છે, જ્યારે આ કેટેગરીમા સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વયમર્યાદા છે તે વધારીને એક વર્ષ વધારીને 39 વર્ષની કરવામાં આવી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ મળે છે. તે પછી તેમની વય મર્યાદા 4પ વર્ષની થાય છે. ભરતી નિયમો અંતર્ગત આ છૂટછાટ આપ્યા બાદ આ વય મર્યાદા 4પ વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ હોવાથી મહિલા અનામત કેટેગરીમાં વધારાનો એક વર્ષનો લાભ સિમીત થાય છે. બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓ માટે હાલની 38 વર્ષની વયમર્યાદામાં
એક વર્ષનો વધારો કરીને 39 વર્ષ કરવામાં આવી છે, એટલુ જ નહીં સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બીન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વયમર્યાદામાં વધારો કરી 41 વર્ષ કરવામાં આવી છે.
તેમણે કહ્યેy કે, એ.સી./એસ.સી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગે)ની કેટેગરીના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાત વાળી જગ્યાઓમાં હાલની 43 વર્ષની વયમર્યાદા વધારીને 44 વર્ષની કરવામાં આવી છે. આવી કેટેગરીમાં સ્નાતક કે સમકક્ષ લાયકાતના કિસ્સામાં વયમર્યાદા 4પ વર્ષ યથાવત રાખવામાં આવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.
રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસ.સી/ એસ.ટી/ એસ.ઈ.બી.સી./ (આર્થિક રીતે નબળા વર્ગો) તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નક્કી કરેલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં 4પ વર્ષથી વધે નહીં તે રીતે નક્કી કરવામાં આવેલી છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
--------------
ટેટની પરીક્ષાની વેલિડિટી વધારવાનો નિર્ણય,
3300 જેટલી ભરતી થશે
અમદાવાદ, તા.13: મુખ્યમંત્રી સાથે સંકલન કરીને શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અંતર્ગત ત્રિસ્તરીય શિક્ષણ નીતિ નક્કી કરવાની છે પરંતુ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ખાસ કરીને ટેટના વિદ્યાર્થીઓની વેલિડિટી વધારવાનો નિર્ણય લીધો છે અને લગભગ 3300  વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે, એમ આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ ભરતી માટેની તકલીફો યુવાનોએ વેઠી છે તેમાંથી તેમને બહાર કાઢવા માટે, યુવાનોની લાગણીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નવી પદ્ધતિ નક્કી થાય ત્યાં સુધી ટેટની પરીક્ષાની વેલિડિટી પણ વધારવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં 3,300 જેટલી ભરતી થશે. જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બદલાય ત્યાં સુધી આ વેલિડિટી વધારવા આવશે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer