લખીમપુરની લડાઈ પહોંચી રાષ્ટ્રપતિ ભવન

લખીમપુરની લડાઈ પહોંચી રાષ્ટ્રપતિ ભવન
- કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું : ગૃહરાજ્ય પ્રધાનનું રાજીનામું અને કેસની તપાસ જજની દેખરેખમાં કરાવવા માગણી
 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 13 : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મુદ્દે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું  અને કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીને તાત્કાલિક બરતરફ કરવાની માગણી કરી હતી.
રાહુલ ગાંધીની અધ્યક્ષતા હેઠળ પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને આપેલા મેમોરેન્ડમમાં અજય મિશ્રાની હકાલપટ્ટી ઉપરાંત સુપ્રીમ કોર્ટ અથવા હાઈ કોર્ટના બે કાર્યકારી ન્યાયાધીશોના બનેલા કમિશન દ્વારા આ ઘટનાની સ્વતંત્ર ન્યાયાલયીન તપાસની માગણી કરવામાં આવી છે.
વિરોધ પક્ષે આરોપી આશિષ મિશ્રાના પિતા, ગૃહરાજ્ય પ્રધાન અજય મિશ્રાની બરતરફીની માગણી કરતાં જણાવ્યું હતું કે તેમણે જાહેરમાં હિંસાત્મક નિવેદન ર્ક્યું છે અને કૃષિ કાયદાઓનો વિરોધ કરનારાઓ ખેડૂતોને ધમકી આપી છે.  તેઓ પદ પર રહેશે તો આ કેસમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાય કેવી રીતે થઈ શકે? 
રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે...ગુનો કરનારને સજા થવી જ જોઈએ.
પ્રિયંકા ગાંધીએ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ અમને ખાતરી આપી હતી કે આ સંદર્ભે તેઓ આજે જ સરકાર સાથે વાત કરશે.
મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, અધિર રંજન ચૌધરી, કે. સી. વેણુગોપાલ અને એ. કે. એન્ટોની જેવા વરિષ્ઠ નેતા પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા અને હિંસાચારની ઘટના સંબંધિત તથ્યોનું વિગતવાર મેમોરેન્ડમ રાષ્ટ્રપતિને આપ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer