ચીનને ભારતનો સજ્જડ જવાબ: અરુણાચલ અમારો અભિન્ન ભાગ

ચીનને ભારતનો સજ્જડ જવાબ: અરુણાચલ અમારો અભિન્ન ભાગ
-  ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પ્રવાસ સામે વાંધો ઉઠાવનારા ચીનને રોકડું પરખાવ્યું
 
નવીદિલ્હી, તા.13: ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના અરુણચલ પ્રદેશના પ્રવાસથી ચીનને જબરદસ્ત લાય લાગી છે. ચીને નાયડુની આ યાત્રા સામે વાંધો ઉઠાવ્યો છે પણ ભારતે તેનો સજ્જડ જવાબ આપી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આવી કોઈપણ ટિપ્પણીને ભારત ખારિજ કરે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. અન્ય રાજ્યોની માફક જ ભારતીય નેતાઓ નિયમિતરૂપે આ રાજ્યનો પ્રવાસ પણ કરે છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 9 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યની વિધાનસભાનાં વિશેષ સત્રને સંબોધન પણ કરેલું. જેમાં તેમણે રાજ્યની સંસ્કૃતિ અને વિરાસત ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી અને રાજ્યમાં પરિવર્તન અને વિકાસની વાત વિસ્તારપૂર્વક કરેલી.
આનાથી ચીન વીર્ફ્યું હતું. બુધવારે ચીન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેના તરફથી અરુણાચલને રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી નથી. નાયડુના પ્રવાસ ઉપર વાંધો દેખાડતા ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજયાને કહ્યું હતું કે, સીમા મુદ્દે ચીનની સ્થિતિ સુસંગત અને સ્પષ્ટ છે. ચીનની સરકાર ક્યારેય પણ ભારતીય પક્ષના એકતરફી અને અવૈધ દાવાને માન્યતા આપશે નહીં. આ ક્ષેત્રમાં ભારતીય નેતાઓની યાત્રા સામે પણ ચીન સખત વાંધો વ્યક્ત કરે છે. ભારત પાસેથી અપેક્ષા છે કે તે ચીનની મુખ્ય ચિંતાઓનું સન્માન કરે અને સીમાનાં મુદ્દાને વધુ જટિલ અને ગાઢ બનાવતી કોઈ કાર્યવાહી ન કરે. ભારતની ભૂમિ ઉપર ભારતીય નેતાઓની યાત્રા સામે બદઈરાદા સાથે આવા નાહકના વાંધા ઉઠાવનારા ચીનને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જોરદાર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારતનાં જ એક રાજ્યમાં એક નેતાની મુલાકાત સામે ચીનનાં વિનાકારણ વાંધા સમજદારીથી પર છે. જેને ભારત નકારી કાઢે છે. અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer