કોઈ મિલ ગયા!

કોઈ મિલ ગયા!
-પૃથ્વીનો સંપર્ક કરી રહ્યા છે એલિયન ! આકાશગંગામાંથી મળી રહ્યા છે રહસ્યમય તરંગો
-વૈજ્ઞાનિકો પણ રેડિયો સિગ્નલ મેળવી ચોંક્યા : અંતરિક્ષમાં અમુક તારાઓની આસપાસથી મળી રહ્યા છે સંકેતો
 
નવી દિલ્હી, તા. 13 : ખગોળવિદો દ્વારા બ્રહ્માંડમાં પૃથ્વી ઉપરાંત અન્ય કોઈ ગ્રહ ઉપર જીવન છે કે નહીં તે અંગે સતત સંશોધનો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ બે અલગ અલગ તપાસમા અજીબ રેડિયો સિગ્નલ મળી આવ્યા છે. જેનાથી પૃથ્વી ઉપરાંત પણ ક્યાંક જીવન હોવાની સંભાવના વધુ મજબૂત બની રહી છે. આ રેડિયો સિગ્નલ એકદમ અલગ પેટર્નના છે અને બીજા કોઈ સિગ્નલથી મેચ થઈ રહ્યા નથી. જેને લઈને વૈજ્ઞાનિકો દ્વારા વધારે તપાસ કરવામાં આવી રહી છે.
 ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુદ્દે સિડની યુનિવર્સિટીની પ્રેસ રિલિઝમા પ્રમુખ લેખક જિટેન વાંગે કહ્યું છે કે નવા તરંગોમાં ખૂબ વધારે પ્રમાણમાં ધ્રુવીકરણ છે. પહેલા આવા તરંગો ક્યારેય મળ્યા નથી. વાંગે કહ્યું છે કે આ સિગ્નલ કોઈ તારામાંથી આવી રહ્યા છે. પરંતુ તેની પેટર્ન ખૂબ જ અલગ છે. વાંગ અને વિશેષજ્ઞોની એક ટીમે પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એસ્કાપ રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તરંગોના ત્રોતની તપાસ કરી છે. સ્કૂલ ઓફ ફિઝિક્સ અને સિડની ઈન્સ્ટીટયૂટ ફોર એસ્ટ્રોનોમીના પ્રોફેસર તાલા મર્ફીના કહેવા પ્રમાણે તરંગોનો ત્રોત અદ્ભૂત હતો. પહેલા તે અદ્રશ્ય હતો અને પછી ચમકી ઉઠયો હતો. તેમના કહેવા પ્રમાણે આ વ્યવહાર ખૂબ જ અસાધારણ છે. 2020ના નવ મહિનામાં ત્રોતમાંથી છ તરંગ મેળવ્યા બાદ તેની ભાળ મેળવવા વૈજ્ઞાનિકોએ પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે હજી પણ તેની ઉત્પત્તિ અને પ્રકૃતિ અંગેના સવાલો અધૂરા છે.
અન્ય એક અભ્યાસ પ્રમાણે વૈજ્ઞાનિકોએ નેધરલેન્ડના શક્તિશાળી રેડિયો એન્ટેના મારફતે તરંગો પકડયા છે. આ રેડિયો સિગ્નલથી જાણ થાય છે કે સ્પેસમાં અમુક ગ્રહો છૂપાયેલા છે જ્યાં જીવન હોવાની સંભાવના છે. આ મામલે યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના ડોક્ટર બેન્જામિન અને તેમની ટીમના કહેવા પ્રમાણે છૂપાયેલા ગ્રહ શોધવાની નવી ટેક્નોલોજીથી બ્રહ્માંડમાં જીવન હોવાની સંભાવના વધારે મજબૂત બની રહી છે. રેડિયો સિગ્નલ મળતા વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં વધારો થયો છે.
સ્પેસ વૈજ્ઞાનિક ફ્રીક્વન્સી એરા ટેક્નોલોજી મારફતે જ બ્રહ્માંડમાં અન્ય ગ્રહોની ખોજ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ 19 સિગ્નલ પકડયા છે. જેમાં ચાર સિગ્નલથી સ્પષ્ટ જાણકારી મળે છે કે અમુક તારાની આસપાસ અન્ય ગ્રહો છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આપણા પોતાના સૌરમંડળના ગ્રહ શક્તિશાળી રેડિયો તરંગ મોકલે છે. કારણ કે તેનું ચુંબકીય ક્ષેત્ર સૌર હવા સાથે મળે છે. જો કે સૌર મંડળથી બહારના ગ્રહોમાંથી આવતા સિગ્નલ હજી સુધી પકડી શકાયા નહોતા. જેના પરિણામે અગાઉ માત્ર આપણા  સૌર મંડળના આસપાસના તારાઓની જ શોધ થઈ શકી હતી.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer