ઓસમ ડુંગર, ખંભાલીડા ગુફા સહિત 8 સ્થળના વિકાસ કામ આગળ વધશે

રાજકોટ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં અપાઈ મંજૂરી
 
રાજકોટ, તા.13 : રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક આજે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખંભાલીડા ગુફા, ઓસમ ડુંગર, વાળા ડુંગર, ઘેલા સોમનાથ સહિત 8 તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસના યાત્રિક સુવિધાલક્ષી કામોનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના આઠ પ્રવાસન તીર્થ સ્થળોના વિકાસ માટે બીજા તબક્કાના અને કેટલાક કામોમાં સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી સરકારમાં દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજની માટિંગમાં ખંભાલીડા ગુફામાં બીજા તબક્કાનું કામ સમય મર્યાદામાં શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. ખંભાલીડા ગુફા અને પાટણવાવના ઓસમના ડુંગરમાં રહેલી પ્રવાસન અને તીર્થધામ પૌરાણિક મહાત્મ્ય, ટુરિસ્ટ પોઇન્ટ સહિત વિકાસની વધારાની સંભાવનાઓ ધ્યાનમાં લેવા અધિકારીઓની સંયુક્ત વિઝિટ પણ કરવામાં આવશે. ઘેલા સોમનાથ મંદિર તીર્થ સ્થળે રૂ.1.86 કરોડના બીજા તબક્કાના વિકાસ કામો શરૂ કરાશે. રાજકોટ તાલુકાના સણોસરા ગામે દરબાર ગઢના કામ 1.40 કરોડના ખર્ચે શરૂ કરવા ટેન્ડારિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકામાં શેમળી નદીમાં સિદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસે રિવરફ્રન્ટ બનાવવા રૂ.2 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેતપુર વાળા ડુંગરમાં ખોડિયાર માતાના મંદિર પરિસરમાં રૂ.2 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ઓસમ ડુંગરમાં પ્રવાસન નિગમ યાત્રાધામ બોર્ડ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા વિકાસના બાકીના કામો પૂર્ણ કરવા તેમજ બનાવવાની દરખાસ્ત મંજુર કરી બીજા તબક્કાના કામો માટે સરકારમાં દરખાસ્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગોંડલી નદીના રૂ.5 કરોડના વિકાસ કામો માટે સરકારમાં થયેલી દરખાસ્તનું ફોલોઅપ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખીરસરા ગામ મહાદેવડી નદી રિવરફ્રન્ટ માટે પ્રાંત અધિકારી પાસેથી અહેવાલ મંગાવી આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કસ્તુરબાધામ ત્રંબકેશ્વર મહાદેવ પરિસરમાં વિકાસના કામો શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer