‘વેકિસન’ લીધી હશે તેવા અરજદારોને જ અમરેલી પાલિકા સેવા પુરી પાડશે

નળજોડાણ, આવકના દાખલા, આધારકાર્ડ સહિતની સેવાની ફરિયાદોના ઉકેલ માટે કોરોના વેકિસનનું સર્ટીફીકેટ જોડવું ફરજિયાત
 
અમરેલી, તા.13 : કોરોના વાયરસ સંક્રમણનો એકમાત્ર વિકલ્પ વેક્સિન હોવાના કારણે જન આરોગ્યની સુખાકારી અને વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. તેમ છતાં પણ ઘણા લોકો વેક્સિનની અવગણના કરી રહ્યાં છે. જેના કારણે સંક્રમણ થવાનો ભય સેવાય રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અમરેલી નગરપાલિકામાં આવતાં અરજદારોએ વેક્સિન લીધેલ હશે તો જ સેવા પુરી પાડવાના આગ્રહ સાથેનો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ કોરોના વાયરસે હજુ સંપૂર્ણ વિદાય લીધી નથી. ત્યારે કોરોના વાયરસથી બચવા વેક્સિન જરૂરી છે. જન આરોગ્યની સલામતિ અંગે સરકાર મફતમાં વેક્સિન આપી  રહી છે. તેમ છતાં પણ ઘણા લોકો વેક્સિન લેતા નથી. સરકારના તા.25-6-2021નાં
હુકમ મુજબ કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ  ડોઝ લીધા બાદ નિયત સમય મર્યાદામાં બીજો
ડોઝ લેવો ફરજિયાત છે. આથી અમરેલી
પાલિકાનાં ચીફ ઓફિસર આર.જી.ઝાલાએ જાહેર જનતાના આરોગ્ય હિતાર્થે એક પરિપત્ર બહાર
પાડયો હતો.
જેમાં અમરેલી, શહેર, જિલ્લાના તમામ નાગરિકો, અરજદારોએ અમરેલી નગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ જન્મ-મરણ, લગ્ન નોંધણી, રહેવાસી, ફાયર એનઓસી સહિતનાં પ્રમાણપત્ર મેળવવા, નળ કનેકશન લેવા, આવકનું પ્રમાણ પત્ર, આધાર કાર્ડ સુધારા, મિલકત ટ્રાન્સફર, રસ્તા સફાઈ ભૂગર્ભ ગટર સફાઈ, કચરો ભરાવવો, આરોગ્ય લગતું કોઈ પણ
ફરિયાદ, બાંધકામ રજા ચીઠ્ઠી, ફુડ લાઈસન્સ, આવાસ યોજના, વિધવા પ્રમાણપત્ર,
સહિતની પાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી તમામ સેવાની ફરિયાદો તેમજ પ્રમાણપત્ર મેળવવા કોરોના વેક્સિન લીધી હોવા અંગેનું પ્રમાણપત્ર અરજી સાથે તેમજ ફરિયાદ સમયે રજૂ કરવાનું રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer