પેટ્રોલ, ડીઝલ, LPG બાદ CNGમાંયે મોંઘવારીની માર

પેટ્રોલ, ડીઝલ, LPG બાદ CNGમાંયે મોંઘવારીની માર
બે રૂપિયા વધતાં પ્રતિ કિલો વધી 49.76 રૂપિયા થયા; બાર દિવસમાં બીજી વાર વધારો
નવી દિલ્હી, તા. 13 : પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવોમાં ભડકા બાદ સીએનજી, પીએનજીની કિંમતોમાં પણ બુધવારે લાગેલી આગથી આમ આદમી દાઝ્યો છે.
છેલ્લા 12 દિવસના ગાળામાં આજે બીજી વાર વધારા સાથે સીએનજી વધુ બે રૂપિયા મોંઘો થતાં તેની કિંમત પ્રતિ કિલો 49.76 રૂપિયા થઈ ગઈ છે.
મધ્યમ વર્ગના રસોડાથી માંડીને રસ્તા પર દોડતા વાહનોમાં ઉપયોગી ઈંધણોના ભાવોમાં આમ બેકાબુ બનવા માંડેલા વધારાએ સામાન્ય જનને પરેશાન કરી  નાખ્યો છે.
દેશના અનેક નાના, મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની પાર ચાલી ગઈ છે. દેશના છેક છેવાડાના કચ્છમાં પણ પેટ્રોલ 100 રૂપિયાથી વધુ મોંઘું થઈ  ગયું છે.
હરિયાણા સરકારે વિમાન ઈંધણ ઉપર વેટ ઘટાડીને 20 ટકામાંથી 1 ટકા કર્યો
ચંદીગઢ, તા.13 : હરિયાણા સરકારે એક મહત્ત્વનાં નિર્ણયમાં વિમાનના ઈંધણ એટીએફ (એવીએશન ટર્બાઈન ફયુલ) ઉપર લાગતો વેટ 20 ટકામાંથી ઘટાડીને માત્ર 1 ટકો કરી નાખ્યો છે. હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની આ જાહેરાતને કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ પણ આવકારીને છે. ઉલ્લેખનીય છે કે સિંધીયાએ આ પહેલા 22 રાજ્યોને એટીએફનો વેટ ઘટાડવા અનુરોધ પણ કરેલો. તેમણે નોંધ્યુ હતું કે, આ પ્રકારનાં મહત્ત્વના નિર્ણયો આંદામાન-નિકોબાર, ઉતરાખંડ અને કાશ્મીર બાદ હવે હરિયાણા સરકારે પણ લીધા છે. જેથી આ રાજ્યોમાં એર કનેક્ટીવીટીની વૃદ્ધિ માટે પ્રોત્સાહક બની રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer