IPLની ફ્રેંચાઇઝી માટે અદાણી સાથે બિરલા અને ગોયંકા ગ્રુપ રેસમાં

IPLની ફ્રેંચાઇઝી માટે અદાણી સાથે બિરલા અને ગોયંકા ગ્રુપ રેસમાં
BCCIએ ટેન્ડર પ્રક્રિયા 20 ઓક્ટોબર સુધી લંબાવી
નવી દિલ્હી, તા.13: બીસીસીઆઇએ આઇપીએલની બે નવી ટીમ માટેના ટેન્ડર દસ્તાવેજ ખરીદવાની સમય સીમા 20 ઓક્ટોબર સુધી એટલે કે 10 દિવસ માટે વધારી દીધી છે. ક્રિકેટ બોર્ડના વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર બે નવી ફ્રેંચાઇઝીની પ્રત્યેકની કિંમત 3પ00 કરોડ રૂપિયા આસપાસ હશે. બીસીસીઆઇએ આગઉ 31 ઓગસ્ટે 10 લાખ રૂપિયાની ફીથી ટેન્ડર ભરાવાના અરજી પત્રક બહાર પાડયા હતા. જેની અવધિ હવે 20 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. બીસીસીઆઇની વિજ્ઞપ્તિ અનુસાર અનેક કંપનીઓ ટેન્ડર ભરવા ઇચ્છુક હોવાથી સમયસીમા વધારવામાં આવી છે.
બીસીસીઆઇએ એક ફ્રેંચાઇઝી માટે બેઝ પ્રાઇસ 2000 કરોડ રૂપિયા રાખી છે, પણ 3પ00 કરોડથી વધુની રકમ એક ફ્રેંચાઇઝીમાંથી બોર્ડને મળશે તેવું અનુમાન છે. આથી આઇપીએલમાં બે નવી ટીમના ઉમેરાથી બીસીસીઆઇને 7000 કરોડની કમાણી થશે તેવું ગણતરી થઈ રહી છે.
હાલ બે નવી ફ્રેંચાઇઝી માટે અદાણી ગ્રુપ, કોટક ગ્રુપ, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, આર. પી. સંજીવ ગોયંકા ગ્રુપ, બિરલા ગ્રુપ સહિતના બીજા કેટલાક ટોચના ઔદ્યોગિક જૂથ આઇપીએલની ફ્રેંચાઈઝી ખરીદવા ઇચ્છુક છે. ક્રિકેટ બોર્ડે ત્રણ ગ્રુપને સમૂહમાં એક ટીમ માટે બોલી લગાવવાની પણ છૂટ આપી છે. નવી ટીમની જાહેરાત દુબઇમાં 2પ ઓક્ટોબરે લગભગ થશે. એ જ દિવસે ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમની ટક્કર પાકિસ્તાન સામે થવાની છે.
પંજાબ કિંગ્સ ટીમના સહમાલિક અને બોમ્બે ડાઇંગ ગ્રુપના નેસ વાડિયા તાજેતરમાં જ જણાવ્યું હતું કે આઇપીએલની બન્ને  ફ્રેંચાઇઝી માટે ઓછામાં ઓછી ત્રણ-ત્રણ હજાર કરોડ રૂપિયાની બોલી લાગી શકે છે. આ ઉપરાંત ટીવી અને મીડિયા રાઇટ્સમાં પણ ધરખમ વધારો થશે જેથી બીસીસીઆઇની તિજોરી છલકાઇ જશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer