કોલકતાને ફાઇનલમાં પહોંચવા 136 રનનું લક્ષ્ય

કોલકતાને ફાઇનલમાં પહોંચવા 136 રનનું લક્ષ્ય
દિલ્હી 20 ઓવરમાં 5 વિકેટે 135 રને હાંફી ગયું
શારજાહ તા.13: આઇપીએલના આજના કવોલીફાયર-2 મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સની ચુસ્ત બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરમાં પ વિકેટે 13પ રનનો સામાન્ય સ્કોર જ કરી શકી હતી. આથી બે વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ કેકેઆરને ફાઇનલમાં પહોંચવા 136 રનનું સરળ વિજય લક્ષ્યાંક મળ્યું હતું. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આ મેચની વિજેતા ટીમ શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં ટકરાશે. જયારે પરાજિત ટીમની આઇપીએલની સફર સમાપ્ત થશે.
કોલકતાના સુકાની ઇયોન મોર્ગનનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. દિલ્હીના ટોચના ક્રમના બેટધરો કોલકતાની ચુસ્ત બોલિંગ સામે ખુલીને રમી શકયા ન હતા. શિખર ધવને સૌથી વધુ 36 રન 39 દડામાં 2 ચોકકા-1 છકકાથી કર્યાં હતા. આ સિવાય શ્રેયસ અય્યર 27 દડામાં 1 ચોકકા-1 છકકાથી 30 રને નોટઆઉટ રહ્યો હતો. પૃથ્વી શોએ 12 દડામાં 2 ચોકકા-1 છકકાથી 18 અને સ્ટોઇનિસે પણ 18 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ઋષભ પંત (6) નિષ્ફળ રહ્યો હતો. હેટમાયર 17 રને રનઆઉટ થયો હતો. અય્યર (30) સાથે અક્ષર 4 રન અણનમ રહ્યા હતો. આથી દિલ્હીના પ વિકેટે 13પ રન બન્યા હતા. અય્યરે ઇનિંગના આખરી દડે છકકો ફટકાર્યોં હતો. કેકેઆર તરફથી વરૂણ ચક્રવર્તીએ 26 રનમાં બે વિકેટ લીધી હતી. ફરગ્યૂસન અને માવીને 1-1 વિકેટ મળી હતી.
 

© 2022 Saurashtra Trust