જૂનાગઢના ગાંધીગ્રામમાંથી પાંચ લાખનો દારૂ ભરેલ મેટાડોર ઝડપતી પોલીસ

બે બુટલેગરો સામે પોલીસ ફરિયાદ
જૂનાગઢ,તા.13 : જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાંથી ‘સી’ ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મમરાના કોથળાની આડમાં છુપાવેલ રૂ.પાંચ લાખનો દારૂ ભરેલ મેટાડોર ઝડપી લઈ બે બુટલેગરો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત પ્રમાણે અત્રેના ગાંધીગ્રામમાં સીંધી સોસાયટીમાં રેલવેના ગરનાળા પાસે રહેતા જેસાભાઈ મેરામણભાઈ મોરીના મકાનનાં કંપાઉન્ડમાં આ વિસ્તારમાં રહેતા હરદાસ ઉર્ફે હદો પરબત મોરી અને બાવન ચના મોરીએ બહારથી દારૂનો જથ્થો માંગવેલ હોય અને ટૂંકમાં કટીંગ થનાર છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
આ સમયે દારૂ મંગાવનારા કે મકાન માલિક હાજર ન હોય, પોલીસે અશોક લેલન્ડ, મેટાડોર જી.જે.03 બીડબલ્યુ 4399ની તલાશી લેતાં મમરાના 14 કોથળાની આડમાં છુપાવેલ દારૂ પેટી 97 તથા છુટક બોટલો મળી કુલ 1879 બોટલ દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે રૂ.5,12,850નો દારૂ તથા મેટાડોર મળી કુલ રૂ.8,19,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ‘સી’ડીવીઝન પોલીસે બુટલેગરો હરદાસ ઉર્ફે હદો પરબત મોરી અને બાવન ચના મોરી સામે ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નવરાત્રી તહેવારમાં બે બુટલેગરોએ દારૂનો જથ્થો મંગાવી ઘર આંગણે પહોંચાડી દીધેલ પરંતુ કટીંગ થાય તે પહેલા ઝડપાતા, બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer