માંગરોળમાં હવામાં ફાયરિંગ કરનાર ચાર શખસ સામે ગુનો દાખલ

બે આરોપી ગુનાઇત ઈતિહાસ ધરાવે છે: આરોપીને દબોચી લેવા જિલ્લાભરની પોલીસ કામે લાગી
માંગરોળ, તા.13: માંગરોળમાં જાહેર સ્થળોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરનાર ચાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જે પૈકી બે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જો કે ભડાકા કરનારા ઘટનાના 22 કલાક બાદ પણ પોલીસને હાથ લાગ્યા નથી.
નવરાત્રીના તહેવારો ચાલતા હોય ત્યારે શહેરમાં લોકોની ખાસ્સી એવી અવરજવર ધરાવતા લીમડાચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં મંગળવારે રાત્રે બાઇક સવાર અજાણ્યા શખસોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ઘટના બની હતી. પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલા કારતૂસ કબજે કરી બનાવ અંગે મૂળ માંગરોળનો અને હાલ રાજકોટ રહેતો ઈશાંત ઉર્ફે મોટીયો ભીખાભાઈ જોષી, રિજવાન ઉર્ફે હસલો (રહે.માંગરોળ)તથા અન્ય બે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને દબોચી લેવા એસપી રવિ તેજા વાસમશેટ્ટીના મોનિટરિંગ હેઠળ ડીવાયએસપી જે.ડી.પુરોહિત, પીએસઆઈ બી.કે.ચાવડા ઉપરાંત એસઓજી, એલસીબી, જૂનાગઢ પોલીસ સહિતનું પોલીસતંત્ર મોડી રાત સુધી દોડતું રહ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ, બાતમીદારોની મદદ લીધી હતી તેમજ કેટલીક જગ્યાએ નાકાબંધી પણ કરી હતી પરંતુ સફળતા મળી ન હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઈશાંત વિરુદ્ધ રાજકોટ, જૂનાગઢમાં અગાઉ મર્ડર, લૂંટ, અપહરણ, આર્મ્સ એક્ટ સહિતના ગુના તેમજ રિજવાન સામે આર્મ્સ એક્ટ હેઠળના ગુના નોંધાયેલા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer