વડોદરામાં પત્ની અને પુત્રીની પતિએ જ હત્યા કરી’તી

અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ અને લાંબા સમયથી ચાલતી તકરારના કારણે પ્રથમ ઉંદર મારવાની દવા ખવડાવી બાદમાં ગળું દબાવી ખૂન કર્યા’તાં
વડોદરા, તા. 13:  વડોદરામાં માતા-પુત્રીના રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુ પરનો પડદો ઉંચકાયો છે. પત્ની અને પુત્રીની હત્યા પતિએ જ કર્યાનું ખુલ્યું છે. અન્ય યુવતી સાથેના પ્રેમ સબંધમાં આડખીલીરૂપ બનતી પત્ની અને પુત્રીને ઉંદર મારવાની દવા ખવડાવ્યા બાદ ગળુ દબાવીને પતિ તેજશ અંતરસિંહ પટેલે જ ખૂન કર્યાનું ખુલતા તેની અટકાયત કરવામાં આવી હતી.
ન્યુ સમા રોડ પર ચંદન પાર્ક સોસાયટીમાં રહેતાં અને ગેંડા સર્કલ  પાસેના મોલમાં ઇલેકટ્રોનિકસની દુકાનમાં નોકરી કરતા અને ઘરજમાઇ તરીકે રહેતાં તેજશ પટેલની પત્ની શોભનાબહેન અને છ વર્ષની માસુમ પુત્રી કાવ્યાના રહસ્યમય મૃત્યુ થયા હતાં. આ બન્નેના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં બન્નેના પેટમાં ઝેર હોવાનું સામે આવ્યું હતું. આથી શંકાના દાયરામાં રહેલા પતિ તેજશ પટેલની આકરી પુછપરછ કરવામાં આવી હતી. પોલીસની પુછપરછમાં ભાંગી પડેલા તેજશ પટેલે પત્ની અને પુત્રીની હત્યા કર્યાની કબુલાત આપતા એવું જણાવ્યું હતું કે, પત્ની શોભના અવારનવાર તેની માતા, બહેન અને નાનાભાઇ સાથે ઝઘડો કરતી હતી. તેને તેની સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. આ વાતની પત્નીને જાણ થઇ ગઇ હતી. તેના કારણે ઝઘડા વધી ગયા હતાં અને ઘરજમાઇ રહેવાની જીદ કરતી હતી. તા. 10મીએ બનાવની રાતના  પત્ની અને પુત્રીને ખાવામાં ઉંદર મારવાની દવા ખવડાવી દીધી હતી. એ પછી ત્રણેય સુઇ ગયા હતાં. થોડા સમય બાદમાં પત્ની શોભના મોઢાથી ડચકા ભરતી હોય તેવો અવાજ આવતાં તે ઉઠયો હતો અને પત્નીની ઉપર બેસીને તેનું ગળુ દબાવી દીધું હતું. પુત્રી કાવ્યાના મોઢા પર ઓશીકુ મૂકીને દબાવી દઇને હત્યા કરી હતી. માતા-પુત્રીના હલનચલન બંધ થઇ ગયા બાદ તે પલંગ પાસે બેસી રહ્યો હતો. રાતના બે વાગ્યે સાળાને જાણ કરીને પત્ની અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયો હતો. પણ તબીબે બન્નેને મૃતજાહેર કર્યા હતાં. આ વિગતના આધારે પોલીસે પતિ તેજશ પટેલની  અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer