ચીન વિરોધી સંગઠનમાં ભારતના સમાવેશનો છેદ ઉડાડતું અમેરિકા

ચીન વિરોધી સંગઠનમાં ભારતના સમાવેશનો છેદ ઉડાડતું અમેરિકા
AUKUSમાં ત્રણ સિવાય કોઈ નહીં : અમેરિકા
નવી દિલ્હી, તા.ર3 : હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધી રહેલી દાદાગીરીને ડામવા તથા સંયુક્ત હિતોની રક્ષા માટે અમેરિકાએ ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે મળી નવું સંગઠન ઓકસ (એયૂકેયૂએસ) બનાવ્યું છે પરંતુ તેમાં ભારતનો સમાવેશ કરવા સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
વડાપ્રધાન મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે દરમિયાન અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે તે આ સંગઠનમાં ભારતનો સમાવેશ નહીં કરે. જેથી સવાલ એ ઉઠયો છે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ડ્રેગનની દાદાગીરી ડામવા ભારતની મદદ વિના આ સંગઠન શું ઉકાળી શકશે? વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ બુધવારે કહ્યું કે ગત સપ્તાહ ઓકસની કરાયેલી જાહેરાત માત્ર સાંકેતિક નથી. રાષ્ટ્રપતિ બાઈડેને ફ્રાંસના રાષ્ટ્રપતિને અમૈનુઅલ મૈક્રોને સંદેશો આપ્યો છે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા માટે બનાવવામાં આવેલા આ સંગઠનમાં અન્ય કોઈ દેશનો સમાવેશ કરવામાં નહીં આવે. ચીન વિરોધી આ સંગઠનમાં ભારત અને જાપાનનો સમાવેશ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસ તરફથી ઉપરોક્ત જવાબ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફ્રાંસે આ ગઠબંધનમાં તેનો સમાવેશ ન કરવા બદલ ટીકા કરી હતી. ઓસ્ટ્રેલિયા સાથે કરવામાં આવેલી સબમરીન ડીલ અંગે અમેરિકા અને ફ્રાંસ આમને સામને છે. હવે એવી સંભાવના છે કે ઓકસના નિર્માણ બાદ અમેરિકા કવાડ સંગઠનને ઓછુ મહત્ત્વ આપશે. જેમાં ભારત અને ફ્રાંસ સામેલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer