સોમનાથ મંદિરનું ટોચનું શિખર સુવર્ણે મઢાશે

સોમનાથ મંદિરનું ટોચનું શિખર સુવર્ણે મઢાશે
- હાલ ગર્ભગૃહ, સ્થંભ, દરવાજા, શિવલિંગનું થાળું, કળશ, ડમરૂં 100 કિલો સુવર્ણે મઢાયા છે : સોમનાથનો સુવર્ણ ઈતિહાસ ફરી જીવંત થશે
 રવિ ખખ્ખર
વેરાવળ,તા.23 (ફૂલછાબ ન્યૂઝ) : અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થાય તે માટે ટ્રસ્ટી મંડળ પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સહિતના અનેક ભાગો સુવર્ણ મઢીત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ કડીમાં સોમનાથ મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિચાર કરવામાં આવેલ છે. આ કામગીરી કરાવવા બાબતે ટ્રસ્ટ દ્રારા એક વિજ્ઞાપન પ્રસિઘ્ઘ કરી કામ કરનાર ઇચ્છકુને આમંત્રિત કર્યા હોવાનું જાણવા મળેલ છે.
   પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટએ હાથ ધરી છે. જેમાં મંદિર દરિયા કિનારે હોવાથી કઇ રીતે આ કામગીરી શકય બને તે માટે જરૂરી વિચારણા કરવામાં આવી રહેલ છે. જેમાં આ સુવર્ણની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટ આપવા એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી અરજી ઓનલાઈન જમા કરાવી શકાશે. જેમાં મંદિર સમુદ્રના કિનારે જ હોવાથી આ બાબતે વધુ તકેદારી રાખવી પડશે, મંદિરના શિખરની ઉંચાઈ અંદાજે 10 ફૂટ હશે તેમજ ઈઓઆઈ જમા કરાવ્યા બાદ જે તે ઇચ્છુકો સર્વે કરી શિખરને સુવર્ણ મઢવાની કામગીરી કંઇ રીતે થશે, કેટલી ટકાઉ હશે, તેમાં સોના ઉપરાંત શું શું ઉપયોગ કરવાની જરૂરીયાત રહેશે, કેટલા કિલો સોનાની જરૂરિયાત પડશે. તેવી બાબતોનું તારણ કાઢવામાં આવશે.
તો જાણકારોના મત મુજબ શિખર પર અન્ય ધાતુઓ લગાવવામાં આવે તો તેને કાટ લાગવાની શકયતા વધુ રહેશે જ્યારે કિંમતી ધાતુ સોનાને એ બાબતનું જોખમ ઘણું ઓછું રહે છે. શિખરને સુવર્ણ મઢીત કરવાની યોજના માટે દેશભરમાંથી શિવભકતોને ભાગીદારી માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેકટ હાથમાં લેનાર જે કોઇએ પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુઘી મેન્ટેનન્સની જવાબદારી નિભાવવાની રહેશે. 
અત્રે નોંધનીય છે કે, ભુતકાળમાં સોમનાથ મંદિર સોનાનું હોવાનું ઇતિહાસમાં અંકાયેલુ છે. ત્યારે ફરી સોમનાથ મંદિર સુવર્ણનું બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ તબકકાવાર કામગીરી કરી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સ્થંભ, દરવાજા, શિવલીંગનું થાળુ, શિખર પરની ઘ્વજા, કળશ, ડમરૂ સહિત 100 કીલો વઘુ સોનાથી સુવર્ણ મઢીત થઇ ચુકી છે. જ્યારે હાલ મંદિરના નૃત્ય મંડપના શિખર પરના કળશોને સુવર્ણ મઢીત કરવાની યોજના ચાલી રહી છે. જેમાં ઘણા કળશો દાતાઓના સહયોગરૂપી દાનથી સુવર્ણ મઢીત થઇ જતા ફીટ કરવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં ઘણા મંદિરો સુવર્ણ મઢીત છે. જેમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના મીનારાને 70 કિલો સોનેથી મઢવામાં આવ્યા છે તો 2015 માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ 115 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer