જોડિયા જળબંબાકાર : 8 ઇંચ વરસાદ

જોડિયા જળબંબાકાર : 8 ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં ભાદરવામાં નદી-નાળા-જળાશયોમાં પાણીની ભરપૂર આવક
સતત વરસતા વરસાદથી ઉભા પાકને નુકસાની જતા જગતાતની મેઘરાજાને ખમૈયા કરવા અરજ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,તા.23 : સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધૂપછાંવ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક-ક્યાંક વરસાદ વરસી રહ્યાના વાવડ મળી રહ્યા છે એવામાં ફરીથી જામનગર જિલ્લામાં મેઘ મલ્હાર થતાં જોડિયા પંથકમાં આજે વરસેલા વરસાદથી શહેર પાણીથી તરબોળ થઇ ગયું હતું. જોડિયામાં સવારે છ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં 8 ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં શહેરના માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા તેમજ નિચાણવાળા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જોડિયા ઉપરાંત પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અડધોથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભાદરવો શરૂ થયો ત્યારથી સૌરાષ્ટ્ર ઉપર સતત મેઘમહેર વરસી રહી છે જેના કારણે હવે ખેતરમાં ઉભેલા પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે એક સમયે મેઘરાજાને રીઝવવા માટે અરજ કરતાં જગતાત હવે ખમૈયા કરવાની અરજ કરી રહ્યા છે. સતત વરસાદના કારણે ભાદરવામાં નદી-નાળા-જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઇ છે અને મોટાભાગના ડેમ ઓવરફલો થઇ ચૂક્યા છે.
જામનગર, જોડિયા : જામનગર જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ આજે વહેલી સવારથી ધ્રોલ અને જોડિયામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જોડિયામાં સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારો સહિત સમગ્ર શહેરનાં મહોલ્લામાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું. જ્યારે ધ્રોલમાં આજે બપોર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધ્રોલ-જોડિયામાં મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવી તરબોળ કરી દીધા છે. જેના પરિણામે મહત્તમ જળાશયો સંપૂર્ણપણે ભરાઈ જવા પામ્યા છે. શહેરના લાખોટા તળાવ પણ પૂર્ણ સપાટીએ પહોંચી જવા પામ્યું છે. જામનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં માત્ર 3 મી.મી. વરસાદ વરસ્યો છે.
આમરણ : આજે જોડિયા તાલુકામાં અતિ ભારે વરસાદ પડી જતા કેશિયા ગામના પાટિયા પાસે અગાઉ તૂટી ગયેલાં પુલના સ્થાને સિમેન્ટના પાઈપ નાખી બનાવાયેલ ડાયવર્ઝનનું ધોવાણ થતા જામનગર કંડલા કોસ્ટલ હાઇવે પરના વાહન વ્યવહારને બાદમાં કેશિયા ગામના પાદરમાં થઇને એપ્રોચ માર્ગે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાંમેઘરાજાએ પધરામણીકરતાં મેંદરડા અને વંથલીમાં દોઢ ઇંચ, કેશોદ અને વિસાવદરમાં અડધો તેમજ અન્યત્ર હળવાથી ભારે ઝાપટા પડયા હતાં.
મેંદરડામાં દોઢ ઇંચ પાણી પડતાં ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતાં. જ્યારે કેશોદ અને વિસાવદરમાં અડધો ઇંચ તથા જૂનાગઢમાં સરવડારૂપે 4 મીમી વરસાદ નોંધાયો છે.
ભાવનગર : ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળળાઈ રહ્યો છે. જિલ્લાનાં મહુવા, તળાજા, જેસર પંથકમાં વરસાદ પડયો છે. અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી. આજે સવારનાં છ થી સાંજનાં છ સુધીમાં મહુવામાં 29 મીમી, તળાજામાં 22 મીમી, જેસરમાં 19 મીમી, પાલિતાણામાં 4 મીમી અને સિહોરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
બગસરા : બગસરામાં ફક્ત એક કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા બગસરાની બજારમાં પાણી ભરાયા હતા.
ગોંડલ : વરસાદી માહોલ વચ્ચે દિવસભર હળવા ઝાપટાં બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં એક ઇંચ વરસાદ પડયો છે.
માણાવદર : માણાવદર પંથકમાં આજ બપોર બાદ ઠેર-ઠેર વરસાદે ફરી જળબંબાકાર થયું છે. શહેરમાં દોઢ ઇંચથી વધુ અને ગ્રામ્યમાં 2 ઇંચથી વધુ વરસાદ પડયો છે. વધુ વરસાદના પગલે ઉભા પાકને હવે નુકસાની થવાનો ભય છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. આજના વરસાદે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં.
રાણાવાવ : રાણાવાવ તાલુકાનાં બોરડી ગામે વરસાદ પડતાં ગામના ખેતરમાં તથા સીમ રસ્તામાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાતા ગામના જાગૃત સરપંચ સાંગાભાઈ મોરી દ્વારા ભરાયેલા પાણીના નિકાલની કામગીરી યુધ્ધના ધોરણે કરતાં ખેડૂતોના પાકમાં થતુ નુકશાન અટકાવ્યું.
દ્વારકા : દ્વારકા જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. દ્વારકા જિલ્લામાં આજે 8 થીસાંજના 6 વાગ્યા સુધી ખંભાળિયા કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં અડધોથી પોણો ઇચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા તાલુકામાં સવારે આઠથી સાંજના 6 વાગ્યા સુધી 20 એમએમ, કલ્યાણપુર તાલુકામાં 15 મીમી, દ્વારકા તાલુકામાં17 એમએમ, ભાણવડ પંથકમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુરમાં ભાટિયા ગામે વરસાદને કારણે પોલીસ ચોકી નજીકના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. અને રોડ પર પાણીના પૂર ફરી વળ્યા હતાં. જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી સર્જાઈ હતી.
બાંટવા : બાંટવામાં આજે બપોર પછી દોઢ ઇંચ વરસાદ પડતા ખેડૂતો હવે મુંઝવણમાં મુકાયા છે. ખારો ડેમ ગત તા. 26 ઓગસ્ટથી સતત ઓવરફલો થઇ રહ્યો છે. એક દરવાજો સતત ખુલ્લો રાખવો પડે છે. આજે પડેલા વરસાદનાં કારણે ફરી અડધો ફૂટ દરવાજો ખોલવામાં આવ્યો છે અને જમીનોમાં રેસા ફૂટી નીકળ્યા છે.
તળાજા : તળાજા પંથક પર મેઘરાજા વધુ પડતા મહેરબાન થઇ ગયા છે જેને લઇ જગતાતની દશા દિવસે ને દિવસે સતત વરસતા વરસાદ વરસાદી માહોલને કારણે ખરાબ થઇ રહી છે.
મીઠાપુર : મીઠાપુરમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતાં.
અમદાવાદ : શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકો, વાહનચાલકો રેઇનકોટ પહેરીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને લીધે અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા ઉભી થઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer