MSPને મળશે કાયદાનો ટેકો !

MSPને મળશે કાયદાનો ટેકો !
-ખેડૂતોને સાધવા કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં: વિધાનસભા ચૂંટણી પહેલાં MSPને આપશે કાયદાનું રૂપ?
નવી દિલ્હી, તા.ર3: નવા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા તથા એમએસપી (લઘુતમ ટેકાના ભાવ) ને કાયદાકીય રૂપ આપવાની માગ સાથે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોને સાધવા માટે કેન્દ્ર સરકાર આગામી યુપી સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા એમએસપી અંગે મોટો નિર્ણય લઈ શકે છે. ભાજપના નેતાઓએ પણ હાઇકમાન્ડ સમક્ષ શેરડીનું મૂલ્ય વધારવા અને એમએસપી પર કાયદો ઘડવાની ભલામણ કરી છે. જો કે ખેડૂતોએ વર્તમાન એમએસપીને કાયદાકીય ગેરેન્ટીને બદલે સી-ર પ્લસ પ0ની માગ કરી છે. યુપી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબના ખેડૂતો છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદે આંદોલન કરી રહ્યા છે. આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે પણ એમએસપીને કાયદાકીય રૂપ આપવાની તરફેણ કરી છે. સૂત્રો અનુસાર પશ્ચિમ યુપીમાં પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓના વિરોધને પગલે કેન્દ્ર સરકાર એમએસપી અંગે યૂપી વિધાનસભા ચૂંટણી પહેલાં જ નિર્ણય લઈ શકે છે. બીજીતરફ ખેડૂત નેતાઓએ માગ કરી છે કે એ-ટૂ નહીં, સી-ટૂ ફોર્મ્યુલાથી એમએસપી જોઈએ છે. તેઓ સ્વામીનાથન કમિશન દ્વારા સૂચવવામાં આવેલી ફોર્મ્યુલા જ માન્ય રાખશે. એમએસપીને કાયદાકીય રૂપ આપવાથી ખેડૂત બરમાં લૂંટાતો અટકશે.
-----------
કિસાન આંદોલનને 300 દિવસ પૂરા
નવી દિલ્હી, તા. 23 : કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા સામે જારી કિસાન આંદોલનને 300 દિવસ પૂરા થયા છે. આ દિવસે આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, આ આંદોલન દેશના કિસાનોની ઈચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે અને તે વધારે દ્રઢ બન્યા છે. એસકેએમએ કહ્યું હતું કે, કિસાને દિલ્હી સીમાએ રહેવા માટે મજબુર કરવામાં આવ્યા બાદથી આંદોલનને 300 દિવસ પૂરા થયા છે. પ્રદર્શનકારી
કિસાનો શાંતિપૂર્ણ રીતે દેશની ખેતી ઉપર કબજાનો વિરોધ કરી રહ્યા છે. કિસાનોની માગણી સ્પષ્ટ છે અને સરકાર કિસાનોની માગણી સ્વિકારવા માટે તૈયાર નથી. આ સ્થિતિ એવા સમયે છે જ્યારે દેશમાં કિસાનોની સૌથી મોટી હિસ્સેદારી છે અને લોકતંત્રમાં ચૂંટણી મોટાભાગે કિસાનો દ્વારા કરવામાં આવતા મતદાનથી જીતવામાં આવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer