લીંબડીમાં પોલીસ ચોકી સામે જ બે જૂથ વચ્ચે અથડામણ : ચાર ઘાયલ

લીંબડીમાં પોલીસ ચોકી સામે જ બે જૂથ વચ્ચે અથડામણ : ચાર ઘાયલ
ત્રણ જીવતા કારતુસ મળતા બે રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા
લીંબડી, તા. 23: અહીંના ગ્રીન ચોકમાં પોલીસ ચોકી સામે જ જૂના મનદુ:ખના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.આ અથડામણમાં ચાર વ્યક્તિને ઇજા થઇ હતી. અથડામણ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા છે. આ ઝઘડાના કારણે વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી.
શહેરમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે જૂના મનદુ:ખના કારણે છેલ્લા કેટલાક સમયથી કોઇને કોઇ બાબતે માથાકૂટ થતી આવે છે. આજે બન્ને જૂથના લોકો ગ્રીન ચોકમાં પોલીસ ચોકી સામે સામસામે આવી ગયા હતાં અને પાઇપ, લાકડીથી એક બીજા પર તૂટી પડયા હતાં. આ અથડામણમાં  એક જૂથના મયુર શેલાભાઇ જોગરાણા, સુખદેવ જોધાભાઇ જોગરાણા, સગરામ હીરાભાઇ અને સામાપક્ષે મેહુલ ઉર્ફે મુન્નો રઘુભાઇ સભાડને ઇજા થઇ હતી.ઇજાગ્રસ્તોને લીંબડી, સુરેન્દ્રનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.આ હુમલામાં એક જૂથ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ થયાની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. પીએસઆઇ વી.એન.ચૌધરીના જણાવ્યા પ્રમાણે  ફાયરિંગ જેવી કોઇ ઘટના બની હોય તેવું સામે  આવ્યું નથી. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મારામારીની ઘટના કેદ થઇ છે. ધાયલો કશું કહી શકે તેવી હાલતમાં નથી. જો કે, બનાવ સ્થળેથી ત્રણ જીવતા કારતુસ મળી આવ્યા છે. આ બનાવના પગલે ગ્રીન ચોક વિસ્તારના વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગ્રીન ચોક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ અથડામણ અંગે મેહુલ સભાડે હુમલો કરીને ઇજા કરવા અંગે સગરામ, સુખદેવ, વના અને મયુર જોગરાણા સામે ફરિયાદ નોંધાવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer