અમદાવાદમાં ભાષાશાત્રી યોગેન્દ્ર વ્યાસનો પત્ની જોડે આપઘાત

અમદાવાદમાં ભાષાશાત્રી યોગેન્દ્ર વ્યાસનો પત્ની જોડે આપઘાત
કેન્સર અને કિડનીની બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લીધો :  સ્યુસાઇડ નોટ મળી : ડો.યોગેન્દ્ર વ્યાસ કુલ 27 પુસ્તકના લેખક અને 24 પુસ્તકના સંપાદક હતા
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 23: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં ભાષાશાસ્ત્રી અને નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ તથા તેમનાં પત્ની અંજના વ્યાસે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.  યોગેન્દ્ર વ્યાસને કિડનીની બીમારી હતી, જ્યારે તેમના પત્નીને કેન્સરની બીમારી હતી. પોલીસને મળેલી એક સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો હતો કે તેઓ યોગ અને પ્રાણાયામ કરતાં પણ બીમારીમાં કોઈ રાહત ન મળતાં તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. 
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુસાઇડ નોટમાં વધુમાં લખ્યું હતું કે તેઓ બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા હતા અને બંને જણાએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા, પરંતુ કોઈ પરિણામ ન મળતાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતાં હતાં, જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલાં કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું.
ભાષાપંડિત ડો. યોગેન્દ્ર વ્યાસનો જન્મ  6 ઓક્ટોબર 1940ના રોજ અમદાવાદમાં થયો હતો. માત્ર 22 વર્ષની ઉંમરે સુરેન્દ્રનગરની મહિલા કોલેજમાં અને પછી અમદાવાદની સરસપુર કોલેજમાં આચાર્ય તરીકે તથા એક વર્ષ ડો. પ્રબોધ પંડિત સાથે પુણેની ડેક્કન કોલેજમાં સેવાઓ આપી હતી. 1951માં એસ.એસ.સી., 1961માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., 1963માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ., 1969માં પી.એચ.ડી., 1963થી 1966 સુધી એમ. એમ. શાહ મહિલા કોલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ. 1966થી 1968 સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને 1968-69માં ત્યાં જ આચાર્ય. 1969થી 1980 સુધી ભાષા વિજ્ઞાનના વ્યાખ્યાતા. 1980થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભાષા વિજ્ઞાનના રીડર પણ હતા.
કુલ 27 પુસ્તકના લેખક અને 24 પુસ્તકના સંપાદક ડો.યોગેન્દ્ર વ્યાસને તેમનાં પાંચ પુસ્તકને જે-તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળેલા છે. તેમણે વર્ષ 1995થી 1999 સુધી ભારતીય ભાષા સંસ્થાન (માપસર)ના કેન્દ્ર સરકારે નીમેલા સલાહકાર તરીકે 1997માં નવમી પંચવર્ષીય યોજના માટેની યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના વિઝાટિંગ કમિટીમાં તથા વર્ષ 2000માં નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદ શહેર શિક્ષણ સમિતિ દ્વારા સન 1999માં સંનિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત ડો.યોગેન્દ્ર વ્યાસ વર્ષ 2002માં અમેરિકાની 1967થી કાર્યરત એ.બી.આઈ, ઈન્સે.સંસ્થા દ્વારા મેન ઓફ ધ યર 2002 અને એ જ સંસ્થાના રિસર્ચ બોર્ડ ઓફ એડવાઇઝર તરીકે પસંદગી પામ્યા હતા.
અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ વર્ષ 1982થી દર જૂનથી 5 ઓગસ્ટ દરમિયાન અમેરિકન વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવા પ્રો. વ્યાસ પાસે મોકલતા હતા. કવિ ઉમાશંકરે પોતાના પુસ્તક “હૃદયમાં પડેલી છબિઓ”માં જૂજ વિદ્યાર્થીઓને સ્થાન આપ્યું છે. પ્રો. ઉમાશંકર જોશીએ પોતાના શબ્દોમાં યોગેન્દ્રભાઇનો પરિચય આપતા કહ્યું હતુ કે  “ડો. યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ પૂર્વ ડિરેક્ટર, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી. પ્રો. અનંતરાય રાવળ, પ્રો. ઉમાશંકર જોશી અને પ્રો. પ્રબોધ પંડિતનો વિદ્યાર્થી, ભંડારી, ડો. નીલોત્તલા ગાંધી, ડો. પી. જે. પટેલ, ડો. પિંકી પંડયા, ડો.અર્ચના પટેલ વગેરેનો પ્રોફેસર. પચાસ ઉપરાંત ગુજરાતી પુસ્તકો લખનાર, સંપૂર્ણ આર્યનારી અંજુબેનનો વર.”
યોગેન્દ્રભાઇએ લઘુનવલોથી લઈ કિશોરકથાઓ સહિત અનેક પુસ્તકો લખ્યાં હતા. જેમાં ‘બે કિનારાની વચ્ચે’ (1982) અને ‘કૃષ્ણજન્મ’ (1983) તેમની લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ (1976) અને ‘મનોરંજક બોધકથાઓ’ (1979) તેમનું બાળસાહિત્ય છે. ‘ભાષા અને એનું ભૌતિક સ્વરૂપ’ (1967), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (1974), ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (1975), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (1977), ‘ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ (1979), ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ (1983) વગેરે તેમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer