સોરઠમાં બીજા દિવસે પણ મુશળધાર : 10 ઇંચ સુધી વરસાદ

સોરઠમાં બીજા દિવસે પણ મુશળધાર : 10 ઇંચ સુધી વરસાદ
-ચોરવાડ 9, કેશોદ-માંગરોળ-જૂનાગઢ 8, માળિયા હાટીના-રાણાવાવમાં 6 ઇંચ વરસાદ : ઘેડ વિસ્તારમાં અવિરત મેઘમહેરથી મેઘલ નદી બે કાંઠે વહેતા ઠેર ઠેર પાણી : ભારે વરસાદથી વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પ્રભાવિત : કેશોદ-માળિયા રસ્તો બંધ
કેશોદ STના 20 રૂટો રદ કરાયા : નોળી નદીમાં ઘોડાપૂર આવતા કામનાથ મહાદેવને જળાભિષેક
 
 
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,તા. 14 :  લાંબા સમયના અંતરાલ પછી સૌરાષ્ટ્ર ઉપર જાણે કે મેઘરાજા રાજી થયા હોય તેમ અવિરત વરસી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રનાં હાલાર, સોરઠ, ઘેડ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જામનગરમાં આભ ફાટયું હોય તેમ અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા તેમજ સોરઠ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી અવિરત મુશળધાર મેઘવર્ષા થઇ રહી છે. આજે પણ સોરઠ પંથકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ વિસ્તારમાં સતત પડતા વરસાદથી રસ્તાઓ પર ગોઠણડૂબ અને ખેતરોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં ચોરવાડમાં નવ, કેશોદ-માંગરોળ-જૂનાગઢમાં 8 અને માળિયા હાટીના, વંથલી, રાણાવાવમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તેમજ કેશોદથી માળિયાનો રસ્તો પણ બંધ કરવો પડયો હતો અને એસટીના 20 રૂટો કેન્સલ કરાયા હતા. આ વિસ્તારની નોળી નદીમાં ઘોડાપૂર આવતા કામનાથ મહાદેવને જળાભિષેક થયો હતો. ઘેડ પંથકની મોંટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવતા જમીન ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ચોરવાડ : આજરોજ રાત્રીના સતત વરસાદ વરસેલ ત્યારબાદ સવારે પાંચ વાગ્યાથી અત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ નોંધાયેલ છે. તેમજ ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાને કારણે મેઘલ નદીમાં તથા લાંગડી નદીમાં ઘોડાપૂર આવેલ. ચોરવાડના નિચાણવાળા વિસ્તાર પાણીના ટાંકા પાસે ધારીવાવ તેમજ બેરા રોડ ઉપર પાણી પાણી થયેલ છે. અને અમુક ઘરમાં વરસાદી પાણી ફરી વળેલ છે. ચોરવાડ ખાતે સેવા ભાવી સંસ્થા ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવેલ છે. નિચાણવાસમાં જે ઘરોમાં પાણી ભરાયા હોય તેમણે સ્કૂલ ખાતે આશરો આપવામાં આવશે અને બે કુટુંબ અત્યારે સ્કૂલમાં આશરો લીધેલ છે.
માંગરોળ : માંગરોળમાં સોમવારે રાત્રી દરમિયાન ધીમીધારે વરસ્યા બાદ આજે સવારે ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ થઇ ગયો હતો. તેમજ આખા દિવસ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે આજે ફરીથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર સવારથી જ ખડેપગે રહ્યું હતું. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નોબી નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં.
જ્યારે કામનાથ નજીક દાનાતળ કોઝવે પરથી પાણી વહેતા લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. નોળી નદીમાં ઘોડાપૂર આવતાં પ્રસિધ્ધ કામનાથ મહાદેવના શિવલીંગને જળાભિષેક થયો હતો.
જૂનાગઢ : સોરઠમાં મેઘરાજાએ મન મુકીને સટાસટી બોલાવતા સર્વત્ર શ્રીકાર ત્રણથી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.
ગિરનાર પર્વત અને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં ગતરાતથી શરૂ થયેલ મેઘસવારી આજે ઢળતા બપોર સુધી ચાલુ રહેતાગિરનાર પર્વત તથા જૂનાગઢ 8 ઇંચ, વંથલીમાં છ, વિસાવદર અને મેંદરડામાં પાંચ, માણાવદર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકમાતાઓ ગાંડીતૂર બનતા તમામ જળાશયો, તળાવો છલોછલ ભરાઈ ગયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર સર્જાયો છે. તેમાં બાલાગામના પાદરથી પંચાળા સહિત માધાવપુર સહિત હજારો હેક્ટર ઉભો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
ડોળાસા : કોડિનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામોમાં આજે પણ ચાર ઇંચ વરસાદ થયો છે. બે દિવસમાં આઠ ઇંચ પાણી પડી જતાં સારુ વર્ષ જવાની આશા મજબૂત બની છે. મોસમનો કુલ વરસાદ 24 ઇંચ થયો છે.
કેશોદ : કેશોદ શહેર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચથી વધારે વરસાદ પડવાની સાથે સાથે ઉતાવળીયો નદી, ટીલોળી નદી, ઓઝત નદી, સાબળી નદીમાં ઘોડાપૂર આવતા રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું છે. કેશોદ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે મોસમનો કુલ વરસાદ 35 ઇંચ નોંધાયો છે. ત્યારે આજે સવારે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં જ કેશોદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આજે જિલ્લા કલેક્ટર જૂનાગઢના આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. કેશોદ એસટી ડેપોનાં વીસેક રૂટ રદ કરવામાં આવેલ હતાં. પરિણામે મુસાફરો રઝળી પડયા હતા. સવારે ભારે વરસાદને કારણે કેશોદ રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો શાકભાજી કે ફળફળાદિ ન લાવતા હરાજી બંધ રહી હતી. કેશોદ તાલુકાના ઘેડ પંથકના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો દ્વારા કરેલ હતી.
ગોંડલ : તાલુકાના નવાગામમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ 6 ઇંચ વરસ્યો જેને કારણે નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાદરવો બેસતા જ ધીમી ધારે વરસાદ આવતાંઆજે સવારે નવાગામ લીલાખા ગોમટામાં ધોધમાર વરસાદ પડયો છે.
બાંટવા : ઉપરવાસના વરસાદને કારણે પોરબંદર જવાનો રસ્તોહાઈવે બંધ કરાયો છે. ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જેમાં મહીયારી, તરખાઈ, કડેચી, અમીપુર, બગસરા વગેરે ગામોમાં ચારેબાજુ જ્યાં જ્યાં નજર પડે ત્યાં પાણી-પાણી નજરે પડે છે. ખેતીને વ્યાપક નુકશાની થઇ છે.
જામકંડોરણા : જામકંડોરણામાં આજે સવારથી સાંજ સુધીમાં 59 મીમી વરસાદ પડેલ છે. આ સાથે મોસમનો કુલ વરસાદ 601 મીમી થયેલ છે.
ભાવનગર : જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વરસાદ પડયો ન હતો.
આજે સવારથી સાંજનાં છ વાગ્યા સુધી તળાજામાં 15 મીમી, મહુવા 10 મીમી, જેસરમાં 5 મીમી, સિહોરમાં 5 મીમી, ઘોઘામાં 4 મીમી, ભાવનગરમાં 2 મીમી અને પાલીતાણામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. વલભીપુર, ઉમરાળા અને ગારિયાધારમાં વરસાદ નોંધાયો નથી. ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે.
ધોરાજી : ધોરાજીમાં ગઇકાલ રાતથી મેઘરાજાએ મેઘતાંડવ કરતા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોરાજીના પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક થતા ધોરાજીનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. આજે આખો દિવસમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગડુ (શેરબાગ) : આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગડુ, ખેરા, સમઢિયાળા, વિષણવેલ, સુખપુર, સિમાર, ઘુમલી, ઝડકા, ગોતાણા વગેરે ગામોમાં રવિવારે રાત્રેથી વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જે સોમવારે તથા મંગળવારે બપોર સુધીમાં 48 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારની જીવાદોરી સમાન મોટી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં લોકોના ટોળા પૂર જોવા ઉમટી પડયા હતાં.
અમરેલી : અમરેલી જિલ્લામાં આજે પણ દિવસભર વરસાદી માહોલ છવાયેલ હતો. સૌથી વધુ રાજુલા પંથકમાં સવા બે ઇંચ, લીલિયા બે ઇંચ, વડિયા-જાફરાબાદ દોઢ દોઢ ઇંચ, બગસરા પોણો ઇંચ, સાવરકુંડલા અડધો ઇંચ તેમજ અન્યત્ર છૂટાછવાયા ઝાપટા પડેલ હતા.
માળિયા હાટીના : માળિયા હાટીનામાં ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મેઘ ગર્જના સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અવિરતપણે વરસાદ શરૂ થયો હતો જે રાતનાં બાર વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો મફતિયાપરા, જસપરા, પટેલ સમાજ વિસ્તારો પુનાપરા સ્ટેશન પ્લોટ સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. માળિયાની મેઘલ નદીમાં પ્રથમવાર ઘોડાપૂર આવ્યું હતું. શંકર મંદિરની દિવાલ સુધી પૂરના પાણી આવી ગયા હતાં.
વેરાવળ : ગિર પંથકમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકો સાથે જોડતા માર્ગો અને વોંકળાઓ પર ઘસમસતા પૂરના પાણી વહેતા થતા અનેક માર્ગો બંધ થઇ ગયા છે. સોમવારે રાત્રિના 2 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા (8 કલાકમાં) સુધીમાં જિલ્લાના વેરાવળમાં 70 મીમી (3 ઇંચ), સુત્રાપાડામાં 37 મીમી (1.5 ઇંચ), કોડિનારમાં 40 મીમી (1.5 ઇંચ), ગિર ગઢડામાં 40 મીમી (1.5 ઇંચ) અને ઉનામાં 64 મીમી (2.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણીની આવક વેરાવળની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં ભરપૂર થતાં નદી ગાંડીતૂર બની છે. બપોરના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના પગલે વેરાવળ શહેરના પ્રવેશદ્વારની હુડકો, સાંઇબાબા મંદિર વિસ્તાર, ડાભોર રોડ પરની શિક્ષક કોલોની, શક્તિનગરસહિતની અનેક સોસાયટી વિસ્તારમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચમોડા ગામમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
ભીમદેવળ : મંગળવાર સવારનાં 8 વાગ્યા સુધીમાં ભીમદેવળ 4 ઇંચ, રાતિધાર 4, રામપરા 4ાા તેમજ અનિડામાં 3ાા ઇંચ જેટલો ભારે વરસાદ પડેલો. વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડી રહેલો વરસાદથી અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં 2 દિવસમાં બીજી વખત પૂર આવેલું.
આજુબાજુના ગ્રામ્ય પંથક જેવા કે લુંભા, ખંઢેડી, ભેટાળી, કોડીદ્રા વગેરે ગામોમાં સોમવારે રાત્રીનાં 10થી મંગળવાર સવારના 9 વાગ્યા સુધીમાં આ બધા ગામોમાં 8 થી 9 ઇંચ જેટલો ગાજવીજ સાથે વરસાદ પડેલો.
તાલાલા : તાલાલામાં આજે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવાર મોડી રાત્રિથી પધારેલ મેઘરાજા છેલ્લા 48 કલાક દરમિયાન મન મુકીને વરસ્યા હતાં. આ દરમિયાન તાલાલા શહેરમાં દશ અને ગ્રામ્ય વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા આખો તાલાલા પંથક પાણી પાણી થઇ ગયો હતો.
તળાજા : શહેર અને આસપાસનાં ગામડાઓમાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ વરસ્યો હતો. દરિયામાં ઊંચા મોજા જોવા મળતા હતા. સરતાનપર સહિતના દરિયા કિનારેના માછીમારોએ મોટે ભાગે દરિયો ખેડવાનું ટાળ્યું હતું.
ઉપલેટા : ઉપલેટા તાલુકામાંઆજે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 15 કલાકની વાત કરીએ તો અહીં અતિ ભારે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેમજ અહીંથી પસાર થતી ભાદર, મોજ, વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.
મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાંજનાં સુમારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં તો ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લામાં એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં મંગળવારે સવારથી સાંજે છ સુધીમાં મોરબી તાલુકામાં 02 મીમી, ટંકારા તાલુકામાં 04 મીમી, વાંકાનેર તાલુકામાં 04 મીમી, હળવદ તાલુકામાં 05 મીમી વરસાદ નોંધાયો છે.
પાનેલી મોટી : ગઇકાલ રાત્રીના નવ વાગ્યાથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ થયેલ હતો તેમજ આજરોજ બપોર પછી 4 વાગ્યાથી એક કલાકમાં 2ાા ઇંચ જેવો વરસાદ પડેલ છે. પાનેલીમોટી તળાવ આજ બીજી વખત ઓવરફલો થઇ ગયું છે.
જામનગર : જામનગર શહેર અને જિલ્લામાં ગત શનિવારથી આરંભાયેલી મેઘકૃપા આજે સતત ચોથા દિવસે અવિરત રહેવા પામી છે. જિલ્લામાં આજે સવારથી સાંજનાં 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં 6 મીમી, સાંજના સમયે પુન: વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત જામજોધપુરમાં 72 મીમી, ધ્રોલમાં 42 મીમી, કાલાવડમાં 10 મીમી, જોડિયામાં 4 મીમી, લાલપુરમાં 4 મીમી વરસાદ જિલ્લા ફલડ કંટ્રોલ રૂમે નોંધાયો છે.
પોરબંદર : પોરબંદર જિલ્લામાં સાડા પાંચથી સાડા છ ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર ખુશી જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સાડા છ ઇંચ નોંધાઈ ચૂક્યો છે. અને પોરબંદરમાં 4, કુતિયાણામાં 5.5 અને રાણાવાવ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચારે બાજુ મેઘમહેરને લીધે પાણી પાણી જોવા મળી રહ્યું છે.
કોટડાસાંગાણી : કોટડાસાંગાણીમાં વહેલી સવારથી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ થતાં ગોંડલી નદીમાં ઘોડાપૂર જેવું પાણી આવેલ. કોટડાસાંગાણીનાં નદીમાં પાણી આવતા ખરેડા, પાંચિયાવદર, ગોંડલ આ ચાર ગામોના લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવેલ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer