જામનગર જિલ્લામાં ખાનાખરાબી: અનેક પશુઓનાં મોત: ઘરવખરી સફાચટ

જામનગર જિલ્લામાં ખાનાખરાબી:  અનેક પશુઓનાં મોત: ઘરવખરી સફાચટ
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.14 : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસેલી અતિવૃષ્ટિના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયાં તેમજ રંગમતી-નાગમતી નદીમાં ઘોડાપૂર આવતાં શહેરની ગઢની રાંગનો સમગ્ર વિસ્તાર જળબંબોળ થઈ જવા પામ્યો હતો. મોટાભાગનાં રહેણાક મકાનોમાં તમામ ઘરવખરી પલળી જવા પામી હતી. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘરોમાં ભરાયેલાં પાણીથી સ્થાનિક લોકોની ઘરવખરી સફાચટ થઈ જવા પામી હતી. આ ઉપરાંત જિલ્લામાં ખીલ્લે બંધાયેલા પશુઓ તેમજ હડિયાણાનાં મરઘા કેન્દ્રમાં અસંખ્ય મરઘાઓનાં મૃત્યુ નીપજ્યાની દુ:ખદ ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
જામનગર શહેર જિલ્લામાં મેઘરાજાએ આજે ચોથા દિવસે હળવી મેઘકૃપા અવિરત જારી રાખી છે. સવારના અરસામાં સૂર્યનારાયણે દર્શન દેતા શહેરનું જનજીવન પુન: ધબકતું થયું હતું. શહેરના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ઉતરી જવા પામ્યા હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા. આ ગામડાઓના રહેણાક મકાનમાં ઘૂસેલાં પૂરનાં પાણીને કારણે મકાનોમાં રહેલી તમામ ચીજવસ્તુઓ પલળી જવા પામી હતી તેમજ ટી.વી, ફ્રીજ, કોમ્પ્યુટર જેવી ઇલેક્ટ્રોનિક આઇટમો પણ પૂરનાં પાણીમાં સફાચટ થઈ જવા પામી હતી.
નાઘુના, કોંઝા, બાંગા, નવાગામ, ધુડશિયા, ખીમરાણા, અલિયાબાડા સહિતનાં ગામોમાં વહીવટી તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, આઇએનએસ વાલસુરા, પોલીસ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા બાદ આ અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખીલે બંધાયેલા અનેક અબોલ પશુઓનું પૂરનાં પાણીમાં મૃત્યુ નીપજ્યાં હતાં તેમજ હડિયાણાના પોલ્ટ્રી ફાર્મમાં પણ અનેક મરઘાઓ મરી જવા પામ્યા છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ખુંવારી થવા પામી છે.
શહેરના ગઢની રાંગ વિસ્તારોમાં મહારાજા સોસાયટી, ઘાંચીની ખડકી, બચુનગર, સતવારાવાડ, નવાગામ ઘેડ, માતૃ આશિષ સોસાયટી, ગાંધીનગર સ્મશાન તેમજ આજુબાજુના વિસ્તારોમાં રંગમતી-નાગમતી નદીનાં ધસમસતાં પાણી એક માળ સુધી પહોંચી જવા પામ્યાં હતાં. વહીવટી તંત્ર દ્વારા તેમજ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા શહેરમાંથી 500 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉગારી લેવાયેલા તમામ અસરગ્રસ્તોને અલગ-અલગ સ્થળો પર રાત્રીના રહેવાની તેમજ  ભોજન, ફૂડ પેકેટ  સહિતની સુવિધાઓ વહીવટી તંત્ર, શહેરની સામાજિક સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓના આગેવાનો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે સવારે મેઘરાજાએ વિરામ રાખતા આ વિસ્તારનાં રહેણાક મકાનોમાં અનાજ, ટી.વી., ફ્રીઝ, શેટી, પલંગ, કબાટ, કપડા સહિતની તમામ ચીજવસ્તુઓ પાણીમાં પલળી જવા પામી હતી. જેથી રહેણાક મકાનના માલિકો દ્વારા આ તમામ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢી ઘરની સાફ-સફાઈ હાથ ધરી હતી.
અતિવૃષ્ટિ અને પૂરનાં કારણે થયેલી પારાવાર નુકસાની અંગે સ્થાનિક લોકોમાં તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા સરકાર તરફથી અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે. બીજીબાજુ પૂરગ્રસ્ત વિસ્તારો 85 ગામડામાં વીજપુરવઠો આજે સતત બીજા દિવસે ખોરવાયેલો રહેવા પામ્યો છે. જો કે, આ અંગે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સી.કે.પટેલે જણાવ્યું હતું કે, શહેરના જે વિસ્તારોમાં પાણી ઉતરી ગયાં છે તેવા વિસ્તારોમાં સાંજ સુધીમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer