આતંકી સાજિશનો ભાંડાફોડ : છ પકડાયા

આતંકી સાજિશનો ભાંડાફોડ : છ પકડાયા
પકડાયેલા આતંકીઓમાં બે પાકિસ્તાની :
બે પાક.માં આતંકી તાલીમ લીધેલા : મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટકો જપ્ત
નવીદિલ્હી,તા.14: દિલ્હીમાં પાકિસ્તાનની આતંકી સાજિશનો ભાંડાફોડ થયો છે. દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે જુદાજુદા રાજ્યોમાં ધોંસ બોલાવીને પાકિસ્તાન પ્રેરિત આતંકી ટુકડીને ઝડપી લીધી છે. જેમાં બે પાકિસ્તાની નાગરિક સહિત કુલ 6ની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી ભારતમાં રહીને આ મોડયુલનો દોરીસંચાર કરતાં હતાં. આ ટુકડીનાં બે સદસ્યે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીમાં જઈને તાલીમ પણ લીધેલી હોવાનું જાણવા મળે છે.
આ આતંકવાદી મોડયુલને ઉઘાડું પાડવા માટે સુરક્ષા એજન્સીએ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં દરોડા પાડયાં હતાં. જેમાં કુલ છ સંદિગ્ધોની હથિયાર-વિસ્ફોટકો અને વાંધાજનક સાહિત્ય સાથે ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે તહેવારો પહેલા દિલ્હીમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે આતંકીઓની ધરપકડથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. 
ઈન્ટેલીજન્સ ઈનપુટના આધારે કરાયેલી કાર્યવાહી અંગે પોલીસ સૂત્રો અનુસાર તહેવારની સીઝનમાં બોંબ ધડાકા કરવાના કાવતરાના પર્દાફાશમાં હાથ લાગેલા શખસોમાં મોહમ્મદ અબુ બકર, ઓસામા, જાન મોહમ્મદ, જીસાન કમર, મૂલચંદ ઉર્ફે લાલા અને અમીર જાવેદ હાથ લાગ્યા છે. આમાં બે તાલિમ પામેલા આતંકીઓ છે જ્યારે અન્ય 4 સાગરીતો છે. આતંકી કાવતરાના તાર દિલ્હી, યુપી અને રાજસ્થાન સુધી જોડાયેલા છે. અન્ય 1પ હજુ શંકા હેઠળ છે જેઓ બાંગ્લા ભાષા બોલે છે.
---------------
કાશ્મીરમાં ગ્રેનેડ હુમલો: ત્રણ ઘાયલ
શ્રીનગર, તા.14: કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓએ આજે કરેલા ગ્રેનેડ હુમલામાં ત્રણ સ્થાનિક નાગરિકો ઘવાયા છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ આતંકી હુમલા પછી સમગ્ર વિસ્તારને ઘેરીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ગ્રેનેડ હુમલવો મુખ્ય ચોકમાં તૈનાત સુરક્ષાદળનાં જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જો કે બોમ્બ જવાનો સુધી પહોંચવાને બદલે સડક ઉપર પડીને ફાટયો હતો. જેની ચપેટમાં આવી જતાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં. કાશ્મીરમાં આતંકવાદીઓ ઉપર બોલેલી ધોંસ પછી તે ગભરાઈ ગયા છે અને હવે હિટ એન્ડ રન અને નાના ગ્રેનેડ હુમલાને અંજામ આપી રહ્યાં છે. જેથી સુરક્ષાદળોને નુકસાન પહોંચાડી શકાય. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer