જૂનાગઢ ‘નવાબ’નાં નાપાક દિવાસ્વપ્ન

જૂનાગઢ ‘નવાબ’નાં નાપાક દિવાસ્વપ્ન
- કાશ્મીરની જેમ જ સક્રિયતાથી જૂનાગઢ ઉપર દાવો
કરવાં મોહમ્મદ જહાંગીરે ઈમરાનને અનુરોધ કર્યો
 
ઈસ્લામાબાદ,તા.14: પંજાબ અને કાશ્મીરમાં ભાગલાવાદ ભડકાવવામાં ઉંધામાથે પટકાયેલા પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈને હવે ગુજરાતની શાન જૂનાગઢનાં દિવાસ્વપ્નો આવે છે. આઈએસઆઈનાં લાડકા અને જૂનાગઢનાં કથિત નવાબ મોહમ્મદ જહાંગીરએ પાક.નાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનને અપીલ કરી છે કે તે કાશ્મીરની જેમ જ જૂનાગઢનાં પણ દૂત બને. નવાબે કહ્યું હતું કે, ઈમરાન ખાન તમામ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારતનાં કબજામાંથી જૂનાગઢની કહેવાતી આઝાદીનો મુદ્દો પણ ઉઠાવે તેવી તેમની માગણી છે.
રેડિયો પાકિસ્તાનનાં અહેવાલ અનુસાર નવાબ મોહમ્મદ જહાંગીરે એક નિવેદન જારી કરી કહ્યું છે કે, ભારત અને પાકે. આ મામલે પણ મસલતો કરવી જોઈએ અને તેનો ઉકેલ કાઢવો જોઈએ. પાક. સરકારે કાશ્મીરની જેમ જ જૂનાગઢનો મુદ્દો પણ સક્રિયતાથી ઉઠાવવો જોઈએ. જૂનાગઢ પાકિસ્તાન જ છે. આ માત્ર જૂનાગઢ રાજ્યનો નારો નથી બલ્કે મોહમ્મદ અલી ઝીણા અને પોતાનાં પૂર્વજ નવાબ મહાબદ ખાને જોયેલું સપનું પણ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પાકિસ્તાને પોતાનો રાજકીય નક્શો જારી કર્યો હતો. જેમાં પાકિસ્તાને ભારતનાં કેટલાંક ભૂભાગ ઉપર પોતાનો દાવો ઠોકવાનો પ્રયાસ કરેલો. આમાં કાશ્મીર, સિયાચીનની સાથોસાથ ગુજરાતનાં જૂનાગઢને પણ પોતાનું ગણાવી કાઢ્યું હતું.
તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન ભારતના જૂનાગઢ પર કથિત કબજા વિશે ગંભીરતાપૂર્વક અવાજ ઉઠાવે ! આ કબજો આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. આ પહેલાં પાકિસ્તાને તેનો નવો રાજકીય નક્શો જારી કર્યો હતો. એ દ્વારા પાકિસ્તાને નાપાક કોશિશ કરી હતી કે, ભારતની સામે જે ક્ષેત્રોને લઈને તેનો વિવાદ છે, તેની પર દાવો ઠોકી શકે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer