પૂર શમ્યા, બરબાદીનો ઘૂઘવાટ

પૂર શમ્યા, બરબાદીનો ઘૂઘવાટ
-જામનગર શહેરમાં એક માળ સુધી પાણી ભરાતા ઘરવખરી સાફ, ખિલે બંધાયેલા પશુ-અસંખ્ય મરઘાના મોત : જામનગરના ગ્રામ્ય પંથકમાં ભારે નુકસાન : 85 ગામમાં વીજ પુરવઠો ઠપ
- ગિરનારના પગથિયા પર પથ્થરો ઘસી આવ્યા, પગથિયા ધોવાઈ ગયા, કેશોદમાં ડેમના દરવાજા ખોલતા પાળાં તૂટવાથી ખેતરોમાં પાણી ઘૂસ્યા : મકાન ધરાશાયીના બનાવો, કેટલાક ગામો સંપર્કવિહોણા : સૌરાષ્ટ્રમાં હજારો લોકોનું સ્થળાંતર
- ગોંડલના કોલીથડમાં બચાવ કાર્ય માટે હેલીકોપ્ટરની મદદ લેવાઈ, પણ લેન્ડિંગ ન થઈ શક્યું
 
રાજકોટ, તા. 14: સૌરાષ્ટ્રમાં રવિવારની રાતથી સોમવારની સાંજ સુધીમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતે. રાજકોટ શહેર, લોધિકા તાલુકા, જૂનાગઢ જિલ્લાનું વિસાવદર, કેશોદ તથા જામનગર જિલ્લા પંથકને મેઘરાજાએ રીતસરનો ધમરોળી નાંખ્યો હતો. આજે મંગળવારે પણ કેટલાક પ્રદેશમાં હળવા-ભારે વરસાદ દરમિયાન જે વિસ્તારમાં વરસાદ નથી થયો અને ગઈકાલના ભરાયેલા પાણી ઓસર્યા છે, ત્યાં આજે અતિવૃષ્ટિએ વેરેલી તારાજીના દ્રશ્યો ઉપસી આવ્યા છે. અતિભારે વરસાદના અસરગ્રસ્ત જિલ્લાઓ જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરેમાં ઘરવખરી, માલઢોર-પશુઓ અને ખેતરોમાં ઉભી મોલાતને ભારે નુકસાન થયું હોવાની વિગતો સામે આવી રહી છે. ભારે વરસાદને કારણે રાજ્યના 201 રસ્તા બંધ થયા હતા. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગ, 162 પંચાયતના માર્ગનો સમાવેશ થાય છે. એસટી બસોના રાજ્યમાં 55 રૂટ બંધ કરાયા અને 121 ટ્રિપ રદ કરાઈ હતી.
જામનગરમાં અતિવૃષ્ટિને કારણે નાઘુના, કોંઝા, બાંગા, નવાગામ, ધુડશિયા, ખીમરાણા, અલીયાબાડા સહિતના ગામમાં ભારે  વરસાદથી ખુવારી થઈ છે. હડિયાણા મરઘાઉછેર કેન્દ્રમાં અસંખ્ય મરઘાના મોત થયા છે. આ ગ્રામ્ય વિસ્તારમાં ખીલે બંધાયેલા અનેક પશુઓના પુરના પાણીમાં મોત નિપજ્યા છે. શહેરના ગઢની રાંગ વિસ્તારમાં રંગમતી-નાગમતી નદીના પાણી એક માળ સુધી પહોંચી ગયા હતા. જેને કારણે ઘરમાં રહેલા અનાજ, ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર, કબાટની અંદર રાખેલી કિમતી ચીજવસ્તુઓ અને કપડાં પણ પલળી ગયા હતા. સલામતી દળો દ્વારા 500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. જામનગરના 85 ગામડામાં હજુ પણ વીજપુરવઠો ઠપ છે જિલ્લામાં અનેક વીજપોલને નુકસાન થયું છે. એનડીઆરએફ, આઈએનએસ વાલસુરા, પોલીસ,  સલામતી દળો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જામનગર જિલ્લામાં કુલ 5906 લોકોનુ સ્થળાંતર થયું હતું. જામનગર નજીક અલીયાબાડા પાસે ધોવાયેલા રેલવે ટ્રેકનું યુધ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું હતું. નૌકાદળની બોટમાં સગર્ભા, વૃધ્ધો, બાળકો સહિત નાગરિકોનું રેસ્ક્યુ કરી ભોજન-પાણીની વ્યવસ્થા પૂરી પડાઈ હતી.
રાજકોટ શહેરમાં નિચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું. શહેરના અનેક ભાગમાં રોડની હાલત બદતર થઈ ગઈ છે. અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં આજે શાળાઓ બંધ રહી હતી.
ગિરનારમાં 18 ઈંચ વરસાદથી ભુસ્ખલન થતા મોટા પથ્થરો ધસી પડયા હતા. ગિરનાર પર્વતના પગથિયા ધોવાઈ ગયા હતા. સીડીની સુરક્ષા દીવાલને નુકસાન થયું હતું. સીડીના 1500થી 1600 પગથિયા વચ્ચે ધોવાણ થયું છે જ્યારે 1 હજાર પગથિયે મોટી શીલા ફસાઈ ગઈ છે.  માંગરોળ, વંથલી, કેશોદ, મેંદરડામાં 350 લોકોનું સ્થળાંતર કરાયું છે. માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમાં બે અને ભેસાણના રાણપુરમાં એક કાચું મકાન ધરાશાયી થયું છે.
ઉપલેટામાં પપ વર્ષ બાદ મોજ ડેમના પાટિયા 8 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 500 લોકોનું સ્થળાંતર કરાયું હતું. વેરાવળના ખંઢેરી, તાલાલાના ગ્રામ્ય રસ્તા પર પાણી ભરાતા બંધ થઈ ગયા હતા. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. દેવકા નદીનું પાણી વેરાવળના સીમાડાના વિસ્તારમાં ઘૂસ્યું હતું. ગોંડલના ડૈયા, કોલીથડમાં ભારે ખાનાખરાબી થઈ હતી. કોલીથડના મફતીયા વિસ્તામાં પાણી ભરાતા બચાવ કામગીરી માટે જામનગરથી હેલીકોપ્ટરની મદદ લેવાઈ હતી. હેલીકોપ્ટર કોલીથડ પહોંચ્યું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ન થઈ શકતા પરત ફર્યું હતું. છેવટે 450 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
વડોદરા એનડીઆરએફે પોરબંદરના કુતિયાણામાં પુરના પાણીમાં ફસાયેલા ચાર લોકોને બચાવ્યા હતા. વંથલીના સાંતલપુરની સીમમાં પાણીમાં ફસાયેલા 10 લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા. જોડિયા પંથકમાં ભારે પાણી ખેતરમાં ઘૂસી જતા ભાદરા, બાદનપર, કુનડ, અણદા, જોડિયા વગેરે ગામોમાં સેંકડો એકર જમીનમાં મગફળી, કપાસ સહિતના પાકને નુકસાની થઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer