જામનગર-ધ્રોલમાં બે યુવાન ધસમસતાં પાણીમાં તણાયા બેડીના બે પગડિયા માછીમારબંધુઓ લાપત્તા

(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.14 : જામનગર અને ધ્રોલમાં બે યુવાન ધસમસતાં પાણીમાં તણાઈ ગયાની તેમજ બેડી વિસ્તારના બે માછીમારો બંધુઓ માછીમારી કરવા ગયા પછી લાપત્તા બન્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક રહેતા ભરત અમૃતલાલ કટેશિયા નામનો 25 વર્ષનો યુવાન પૂરના પાણી આવતા ઘરવખરી ઉપરના માળે ચડાવી રહ્યો હતો ત્યારે એકાએક તેનો પગ લપસી જતા આ યુવાન ધસમસતાં પાણીમાં તણાઈ ગયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી છે તેમજ ધ્રોલના ભીમકટા ગામે રહેતો વિનોદ ઉર્ફે  પિન્ટુ પાલા શેખવા નામનો 20 વર્ષનો યુવાન તેની જીજે 10 ટી ડબલ્યુ 7811 નંબરની રિક્ષામાં તેના કૌટુંબિકભાઈ સાથે સીએનજી ભરાવવા ગયો હતો. જ્યાંથી પરત આવતા વાગુદડના વોકળા પાસે આવેલ કોઝ વેમાંથી પસાર થતા હતા ત્યારે આ રિક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ હતી.
આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા અન્ય બે કૌટુંબિક ભાઈઓનો બચાવ થયો હતો જ્યારે વિનોદ ઉર્ફે પિન્ટુનું તણાઈ ગયાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જામનગરના બેડી વિસ્તારમાં સિદ્દીક એ આઝમ ચોકમાં રહેતા અને માછીમારી કરતા જુનસ જુમાભાઈ કક્કલ (ઉં.42) અને તેનો નાનો ભાઈ હનિફ (ઉ.35) ગઈકાલે ચાલુ વરસાદમાં માછીમારી કરવા ગયા હતા. આ અરસામાં રંગમતી, નાગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. સાથોસાથ આ બંને ભાઈઓ પરત નહીં ફરતા લાપત્તા બન્યાની જાણ વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી છે. સાથોસાથ તેમની શોધખોળ કરવાની માગણી પણ કરાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer