વૃષ્ટિથી સૃષ્ટિ રાજી, પણ અતિવૃષ્ટિએ વેરેલી તારાજીને લીધે નારાજી

(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,  તા. 14 : સૌરાષ્ટ્રમાં રવિવારની રાતથી સોમવારની સાંજ સુધીમાં મેઘરાજાએ પાણીની અછતનું ચિત્ર રાતોરાત બદલી આપ્યું હતું. ઘણા પંથકમાં પાંચ-સાત ઈંચ સુધીનો મધ્યમ અને આવકારદાયક વરસાદ થયો હતો. પરંતુ જામનગર શહેર-જિલ્લો, રાજકોટ શહેર, લોધિકા, વિસાવદર, ગોંડલ, કેશોદ સહિતના પંથકમાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ થયો હતો. મધ્યમ વૃષ્ટિથી સૃષ્ટિ અને જગતાત રાજી થયા હતા. પરંતુ અતિવૃષ્ટિ થઈ તે પ્રદેશમાં મંગળવારે સ્થિતિ સામાન્ય થતા ધીમે ધીમે તારાજીની તસવીરો બહાર આવવા લાગી છે.
કેશોદ: નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ઉતાવળીયો અને ટીલોળી નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ જતા રહીશો હેરાન થઈ ગયા હતા. નદીમાં ઘોડાપુર આવતા ખેતરોમાં પાણી ઘૂસી જતા મોલાતને નુકસાન થયું હતું. યાર્ડમાં ખેડૂતો શાકભાજી કે ફળફળાદી નહી લાવતા હરાજી બંધ રહી હતી. ડેમના દરવાજા ખોલવામાં આવતા પાળા તૂટવાથી ખેતરોમાં પાણી ઘૂસી રહ્યા છે. કેશોદ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી દેવાઈ હતી શૈક્ષણિક કાર્ય પણ બંધ રહ્યું હતું.
વિસાવદર : વિસાવદર તેમજ તાલુકામાં ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ વિસાવદર તાલુકાના કાલશારી ગામે રહેતા નંદુબેન પોપટભાઈ વઘાસિયાનું મકાન ધરાશાયી થયું હતું.
શાપુર : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાળવો નદીના પાણી પુલ પર ફરી વળતા સવારથી સાંજ સુધી શાપુર સંપર્કવિહોણું બની ગયું હતું.
ધ્રોલ : ધ્રોલથી ટંકારા વાયા લતીપર જતો હાઈવે આજે સવારથી જ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે. તા. 13નાં રોજ ભારે વરસાદને કારણે આજી નદીમાં આવેલ પૂરનાં પાણી આ પૂલ ઉપરથીપસાર થયેલ હોવાને કારણે આ પૂલ ડેમેજ થયેલ છે અને આ કારણે વાહન વ્યવહાર માટે સલામત ન હોય તંત્ર તરફથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવેલ છે. માત્ર ટુ વ્હીલરોને આવવા જવાની છૂટ આપવામાં આવેલ છે. આજી નદી ઉપર આ પુલ ઉપર આજી નદીના પાણી ફરી વળતા હચમચી ગયેલ છે તેનું તાકીદે સમારકામ જરૂરી છે.
માણાવદર : માણાવદરમાં પટેલ ચોક વિસ્તારમાં પટેલ સમાજ પાછળ આવેલી અને 1901માં નવાબ ફતેહદિનખાનજી બાબી દ્વારા નિર્માણ કરાયેલી ઉતારા હવેલી નામની વિશાળ બિલ્ડીંગનો વરસાદને કારણે આગળનો એક ભાગ ધરાશાયી થઇ ગયો છે.
આ બિલ્ડિંગ આવી છે ત્યાં જાહેર હલનચલન માટેનો નાનો રસ્તો છે. આથી અહીંના રસ્તેથી લોકોની અવરજવર થઇ રહી છે. આ અકસ્માતને કારણે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી. પરંતુ ભવિષ્યમાં આ જોખમી બિલ્ડિંગનો માળ ઉતારી લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત એ વિસ્તારમાં રહેતા લોકો માટે ઉભી થઇ છે. આ બિલ્ડીંગમાં બહારથી આવતા રાજા-નવાબો અને મહેમાનોને ઉતારો અપાતો હતો. સને 1925-1935ના સમયમાં દેશભરના પહેલવાનો આ બિલ્ડિંગમાં ઉતર્યા હતાં. લોકશાહી શાસનમાં આવા સ્મૃતિ ચિન્હો તરફ સરકાર ધ્યાન ન આપતી હોવાથી તેની દશા જર્જરિત થઇ રહી છે. વાવાઝોડા વરસાદને કારણે આવી ઘણી બિલ્ડીંગો પડી જાય તેવી સ્થિતિમાં ઉભી છે. આ અંગે નગરપાલિકા કોઇ નિર્ણય લે અને તેની મરામત કરાવે એ ઇચ્છનીય છે.
માળિયાહાટીના : માળિયા હાટીનામાં આખી રાત અવિરતપણે વરસાદ આવતા મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં સ્મશાન પાસેનો બેઠો પૂલ તૂટી ગયો છે.
વડાલા અવાનીયા અજાબ તરફ જવા માટેનો આ પુલ છે જેની મરામત થાય તેવી માંગ ઉઠી છે.
લખતર : લખતર તાલુકાના તલવણી ગામ જવાના રોડ ઉપર લખતરનો ભૈરવપરા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં તો ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. શેરીઓમાં કીચડ ફેલાયેલો જોવા મળે છે. જેના કારણે આ વિસ્તારના રહેવાસીઓ તેઓનો  વિસ્તાર તંત્ર માટે અણમાનીતો હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. વિસ્તારના રહેવાસીઓ દર વરસે તાલુકા અને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે છે. ગત વર્ષે પણ રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જામકંડોરણા : સોમવારે સમગ્ર જામકંડોરણા પંથક તેમજ ઉપરવાસમાં સારા વરસાદના કારણે ફોફળ નદીમાં જોરદાર પૂર આવ્યું હતું. જામકંડોરણા ગોંડલ હાઈવે પર આવેલ ફોફળ નદી પરના પૂલ પરથી પાણી વહેવા લાગ્યું હતું. આ પૂરના પ્રવાહથી આ પૂલના બે ગાળા ધરાશાયી થઇ ગયા હતા તેમજ પુલના આગના ભાગે રસ્તા પર પણ પાણીના પ્રવાહથી રસ્તામાં ધોવાણ થઇ ગયેલ છે જેથી આ રસ્તો બંધ થયેલ જેથી ગોંડલ જામકંડોરણાનો વાહન વ્યવહાર ઠપ થઇગયેલ છે.
જૂનાગઢ : ગિરનાર ક્ષેત્રમાં સાંબેલાધારે 18 ઇંચ વરસાદ પડતા ઝરણાઓ ધોધ સ્વરૂપે વહેતા એક હજારથી સોળસો પગથિયા વચ્ચે ભૂસ્ખલન થતા પગથિયા ધોવાયા છે. સીડીની સુરક્ષા દિવાલને નુકસાન થયાનું એસીએફ શ્રી પટેલે જણાવ્યું છે.
ગિરનાર સીડીના 1500થી 1600 પગથિયા વચ્ચે પાણીના વધુ પ્રવાહને કારણે સીડીમાં ધોવાણ થયું છે જ્યારે 1000 પગથીયે મોટી શિલા પગથિયામાં ફસાઈ ગઇ છે. તેથી પ્રવાસીઓને અવરજવરમાં અવરોધ ઉભો થાય છે. સીડીના પગથિયા ધોવાઈ જતાં પથ્થરોપથરાઈ ગયાં છે.
માંગરોળ, વંથલી, કેશોદ અને મેંદરડામાં 350 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં બે અને ભેસાણનાં રાણપુરમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer