છાપરા પાસે કાર સાથે તણાયેલા રાજકોટના ઉદ્યોગપતિનો મૃતદેહ મળ્યો: ડ્રાઇવરની શોધ

(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 14: અહીંના કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે કાર સાથે તણાયેલા રાજકોટના ઉદ્યોગપતિ કિશનભાઈ/વિપુલભાઈ જમનાદાસભાઈ શ્રીમાંકર (શાહ)નો મૃતદેહ ચોવીસ કલાકના અંતે મળી આવ્યો હતો. તેમની સાથે તણાયેલા તેની કારના ચાલક શ્યામભાઈ સાધુની શોધખોળ ચાલી રહી છે.
અહીંના યુનિવર્સિટી રોડ પર નિલ સિટી બંગલોમાં રહેતા અને છાપરા પાસે પેલિકન ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા કિશનભાઈ શ્રીમાંકર ગઈકાલે તેમના સાળા જીતુભાઈ, પારીજાત સોસાયટીના માટેલ ચોકમાં રહેતો  ડ્રાઇવર સંજય ડાહ્યાભાઇ બોરીચા, બીજો ડ્રાઇવર રૈયા ગામનો શ્યામભાઈ ગોસ્વામી (સાધુ) સાથે કારખાને જવા આઇ20 કારમાં રવાના થયા હતા. મેટોડા પાસેથી મહિલા કર્મચારીને કારમાં બેસાડી હતી. કાર છાપરા ગામના વોકળા પાસે પહોંચી ત્યારે વોંકળા પરથી પાણીનું પૂર જતું હતું. આથી કાર ચાલક શ્યામભાઈએ કાર ઉભી રાખી દીધી હતી પણ કિશનભાઈએ તેને ડ્રાઇવિંગ સીટ પરથી ઉતારીને કારનું સ્ટિયરિંગ તેમણે સંભાળ્યું હતું. તેમના સાળા અને મહિલા કર્મચારી કારમાંથી ઉતરી ગયા હતા. ઉદ્યોગપતિ કિશનભાઈએ કાર પાણીમાં નાખી હતી. કાર પાણીમાં તણાઈ હતી. કારમાં રહેલ ડ્રાઇવર સંજય બોરીચા કારના દરવાજાને પાટા મારીને ખોલીને બહાર નીકળી ગયો હતો જ્યારે કિશનભાઇ અને શ્યામભાઈ કાર સાથે પાણીમાં તણાયા હતા. ફાયરબ્રિગેડ અને પોલીસે એ બન્નેની શોધ આદરી હતી પણ ભાળ મળી ન હતી. આજે સવારે એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમે ફરીથી એ બન્નેની શોધખોળ શરૂ કરી હતી. વોંકળાથી 700 મીટર દૂરથી કાર મળી હતી. મોટા ખાડામાં પડેલી કારને ક્રેઇન અને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. તેમાંથી ઉદ્યોગપતિ કિશનભાઈ/વિપુલભાઈ શ્રીમાંકરનો મૃતદેહ પાછળની સીટમાંથી મળી આવ્યો હતો જ્યારે તેની સાથેના ડ્રાઇવર શ્યામભાઈ ગોસ્વામીની ભાળ મળી ન હતી. તેની શોધખોળ ચાલી રહી છે. લોધિકાના પીએસઆઇ કે.કે.જાડેજા અને તેની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઉદ્યોગપતિ કિશનભાઈ દશા સોરઠિયા વણિક સમાજના આગેવાન હતા અને મોટું મિત્ર વર્તુળ ધરાવતા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer