પેટાચૂંટણી: મમતાની ઉમેદવારી રદ થશે ?

પેટાચૂંટણી: મમતાની ઉમેદવારી રદ થશે ?
નામાંકનમાં પોતાની સામેના પાંચ કેસ જાહેર કર્યા ન હોવાનો આરોપ: ભાજપની ફરિયાદ
કોલકત્તા, તા.14: પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા માટે યોજાનારી પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરીવાલ કરવાનાં છે. 30 સપ્ટેમ્બરે આના માટે મતદાન યોજાય તે પહેલાં જ ભાજપે મમતાના ઉમેદવારી પત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. ભાજપનું કહેવું છે કે, ઉમેદવારી પત્ર દાખલ કરતા સમયે મમતાએ પોતાની વિરુદ્ધ નોંધાયેલા પાંચ પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી. જેને પગલે તેમની ઉમેદવારી રદ કરવાની માગણી ઉઠાવવામાં આવી છે પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોનું ખંડન કર્યું છે. 
ભવાનીપુર પેટાચૂંટણી જીતવી મમતા બેનરજી માટે અનિવાર્ય છે. જો તેઓ આ ચૂંટણીમાં અસફળ રહે તો મુખ્યમંત્રી પદની ખુરશી ખાલી કરવી પડશે. વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી ભાજપના સુવેંદુ અધિકારી સામે ચૂંટણી હાર્યા બાદ પણ મુખ્યમંત્રી પદે આરુઢ થયા હોવાથી મમતા સામે આવી સ્થિતિ ઉભી થઈ છે. જેમાં તૃણમૂલનું કહેવું છે કે મમતા બેનરજીએ માત્ર એવા કેસના જ ખુલાસા કરવાની આવશ્યકતા છે જેના ચાર્જશીટમાં તેમનું નામ હોય. તો ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરીવાલના ચૂંટણી એજન્ટે પોતાની ફરિયાદ નોંધવા માટે ભવાનીપુરના રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે મમતા બેનરજી વિરુદ્ધ પાંચ પોલીસ કેસ દાખલ છે અને તેઓ આ વિગતનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer