પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા વિચારણા?

પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા વિચારણા?
GST  કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થવાની સંભાવના
નવીદિલ્હી,તા.14: દેશની પ્રજાને રોજ ધગધગતા ડામ દેતાં પેટ્રોલ-ડીઝલમાં હવે રાહતની આશાનાં કિરણો ફૂટયા છે. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલને જીએસટીનાં દાયરામાં લાવવાની માગણી થઈ રહી છે પણ સરકાર અત્યાર સુધી તેનાં માટે નનૈયો ભણતી આવી હતી. જો કે હવે આનાં માટે વિચારની સંભાવના છે.
સૂત્રોનાં હવાલેથી મળેલા સમાચાર અનુસાર આગામી 17મી સપ્ટેમ્બરે યોજાનારી જીએસટી પરિષદની બેઠકમાં આ બારામાં વિચારણા શક્ય છે. જીએસટી પર મંત્રીઓની સમિતિ પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપર પણ અન્ય ઉત્પાદનોની જેમ જીએસટી લગાવવા માટે વિચારણા કરશે. હાલમાં પેટ્રોલ ડિઝલ જીએસટીમાંથી બાકાત છે અને જો તેને જીએસટીનાં વ્યાપમાં આવરી લેવામાં આવે તો બન્ને પ્રમુખ ઈંધણનાં ભાવમાં મોટી રાહત મળે તેવા અનુમાન છે.
જોકે ઈંધણને જીએસટીમાં લાવવા માટે પેનલના 75 ટકા સભ્યોનું અનુમોદન જરૂરી બનશે. જેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ છે. આમાંથી કેટલાક રાજ્યો દ્વારા ઈંધણને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ પણ થઈ રહ્યો છે. કારણ કે પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવી જાય તો રાજ્યોની મહેસૂલી આવકનો મોટો સ્રોત છીનવાઈ જઈ શકે છે. પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યોની આવકમાં એક લાખ કરોડ રૂપિયાની કમી આવશે. બીજી તરફ જીએસટી હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટસને લાવવામાં આવે તો અત્યારે 100 રૂપિયાની અભૂતપૂર્વ સપાટીએ રહેલો પેટ્રોલનો ભાવ 75 રૂપિયા અને ડિઝલનો ભાવ 68 રૂપિયા થઈ શકે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer