બઢતીમાં આરક્ષણ: સુપ્રીમ રાજ્યવાર કરશે સુનાવણી

બઢતીમાં આરક્ષણ: સુપ્રીમ રાજ્યવાર કરશે સુનાવણી
પ ઓક્ટોબરથી અંતિમ સુનાવણી: રાજ્યોને બે સપ્તાહમાં વિશિષ્ટ મુદ્દાઓ તારવવા નિર્દેશ
નવીદિલ્હી, તા.14: દેશમાં નોકરીઓમાં બઢતીમાં આરક્ષણ સંબંધિત મામલાઓની પાંચ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટ અંતિમ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દરેક રાજ્યોને પોતાના અનોખા મુદ્દા છે અને તેને ધ્યાને રાખતા રાજ્યવાર સુનાવણી કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે રાજ્યોને નિર્દેશ પણ આપ્યો હતો કે તે પોતાનાં વિશિષ્ટ મુદ્દાઓ અલગ તારવે અને બે સપ્તાહમાં તેને સુપ્રીમ સમક્ષ પેશ કરે.  નોકરીમાં પ્રમોશનમાં અનામતની માગણીમાં સર્વોચ્ચ અદાલતમાં કેસ પેન્ડિંગ હોવાનાં કારણે લાખો પદ ઉપરની ભર્તીઓ અટકી પડી હોવાનું રાજ્યો કહે છે. હાઈકોર્ટનાં પરસ્પર વિરોધી આદેશોનાં કારણે અનેક પણ ખાલી પડયાં છે. જેને પગલે હવે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશોની આવશ્યકતા છે.  નોંધનીય છેકે જસ્ટિસ એલ.નાગેશ્વર રાજ, ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બી.આર.ગવઇની ખંડપીઠ પદોન્નતિમાં આરક્ષણની નીતિ સંબંધિત 133 અરજીઓ ઉપર સુનાવણી કરી રહી છે. જેમાં અદાલતે સ્પષ્ટ કહી દીધું છે કે, અગાઉ જેનાં ફેંસલા થઈ ગયા હોય તેવા મુદ્દાઓને ફરીથી ખોલવામાં આવશે નહીં.
-----------
‘વકીલોનો જીવ અન્ય લોકોથી કિંમતી નથી’
કોરોનાથી મૃત્યુ પામેલા વકીલોના પરિજનોને વળતરની અરજી ફગાવતાં સુપ્રીમની કડક ટિપ્પણી
નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટે કોરોનાને લીધે મૃત્યુ પામેલા વકીલોના પરિવારજનોને વળતર આપવાની માંગ સાથેની એક અરજીને લઈને આકરી ટિપ્પણી કરી હતી અને અરજીકર્તા ધારાશાત્રીને કહી દીધું હતું કે, તમારો જીવ અન્યોના જીવ કરતાં વધુ કિંમતી નથી અને અમે તમને અલગ ગણી શકીએ નહીં. અદાલતે વકીલને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
પ્રદીપકુમાર યાદવ નામના વકીલે કરેલી એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, 60 વર્ષથી ઓછી વયના વકીલો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય એવા કિસ્સામાં તેમના પરિજનોને પ0 લાખનું વળતર-સહાય આપવામાં આવે.
ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બી. વી. નાગરત્નાની ખંડપીઠે આ મામલાની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, આ જાહેર હિતની નહીં, પણ પ્રચાર હિતવાળી અરજી છે. તમને (વકીલોને) અમે અપવાદ માની શકીએ નહીં. કોરોનાને લીધે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. સમાજના અન્ય લોકો મહત્ત્વપૂર્ણ નથી ? કોઈ વકીલનો જીવ અન્યોથી વધુ કિંમતી નથી.
------------
કોરોના મૃતકોનાં પરિજનોને વળતર: સુપ્રીમમાં આદેશનાં અનાદરની અરજી
કોરોનાનાં મૃતકોનાં પરિજનોને વળતર ચૂકવવાનાં આદેશનો કેન્દ્ર સરકાર દ્વારા અનાદર કરવામાં આવ્યો હોવાની રાવ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 30 જૂન 2021નાં રોજ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા આદેશનું સંપૂર્ણ પાલન થયું નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer