અફઘાનમાં આતંકી શિબિરોની ભારતને અસર થશે : UNSC

અફઘાનમાં આતંકી શિબિરોની ભારતને અસર થશે : UNSC
યુએનએસસી અધ્યક્ષ ટીએસ તિરુમૂર્તિએ આપી ચેતવણી
નવી દિલ્હી, તા. 3 : યુએનએસસીમાં ઓગષ્ટ મહિના માટે અધ્યક્ષ બનેલા ભારતીય રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ કહ્યું છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ સુરક્ષા પરિષદના તમામ સભ્યો માટે ગંભીર  ચિંતાનો વિષય છે. તેમણે ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાં આતંકી છાવણીઓને ફરીથી ઉભી થવા દેવાશે નહીં અને આ પરિસ્થિતિની સીધી અસર ભારત ઉપર પડશે.  વર્તમાનમાં 2021-22ના કાર્યકાળ માટે યુએનએસસીના અસ્થાયી સભ્ય ભારતે ઓગષ્ટ મહિના માટે સંયુક્ત રાષ્ટ્રના શક્તિશાળી એકમની અધ્યક્ષતા સંભાળી છે.
તિરુમૂર્તિએ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ સુરક્ષા પરિષદના તમામ સભ્યો માટે ચિંતાનો વિષય છે અને જોવા મળી રહ્યું છે કે છેલ્લા અમુક સમયથી હિંસા વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટનો હવાલો આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મે જૂન મહિના દરમિયાન અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા જાન્યુઆરી અને એપ્રિલ કરતા વધારે છે.
અફઘાનિસ્તાનની સ્થિતિ અને હિંસામાં વૃદ્ધિ રોકવા માટે સુરક્ષા પરિષદ શું કરી શકે છે તે સવાલના જવાબમાં તિરુમૂર્તિએ કહ્યું હતું કે, આ મામલે ટુંક સમયમાં વિચાર કરવામાં આવશે. જ્યાં સુધી ભારતની વાત છે તો દિલ્હી તરફથી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કેએક સ્વતંત્ર, શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાન જોવા માગે છે. ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે દરેક તકનું સમર્થન કર્યું છે.
-------------
અફઘાનના રેડિયો સ્ટેશન ઉપર તાલિબાનનો કબજો
વોઈસ ઓફ શરિયા ફેલાવવાનો પ્રોપેગેન્ડા
કાબુલ, તા. 3 : અફઘાનિસ્તાનના જિલ્લા ઉપર તાલિબાન સ્થાયી કબજો લઈ રહ્યું છે. અહેવાલ મુજબ તાલિબાનીઓએ લશ્કરગાહના એક રેડિયો સ્ટેશન ઉપર કબજો કરી લીધો છે. તાબિલાને પોતાની ધમકીઓ, ચેતવણીઓ અને પોતાના પ્રોપેગેન્ડા ‘વોઈસ ઓફ શરિયા’ને ફેલાવવા માટે રેડિયો સ્ટેશન ઉપર કબજો કરી લીધો છે. પ્રાંતીય રાજધાની લશ્કરગાહમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે છેલ્લા પાંચ દિવસથી લડાઈ ચાલી રહી છે.
લશ્કરગાહના રેડિયો સ્ટેશન ઉપર કબજો હેલમંડ પ્રાંતના પતન તરફ ઈશારો કરે છે. દક્ષિણ હેલમંડ પહેલાથી જ યુદ્ધનું મેદાન બનેલું છે. સરકારી દળો અને તાલિબાન વચ્ચે સંઘર્ષ તેજ બન્યો છે. રક્ષા મંત્રાલયના અનુસાર ડિસ્ટ્રીક્ટ1માં અમેરિકાએ સોમવારે સવારે હવાઈ હુમલો કર્યો હતો. જેમાં સાત તાલિબાની માર્યા ગયા હતા. હેલમંડના સાંસદોએ કહ્યું હતું કે, જેલ અને પોલીસ હેડક્વાટરની ઘેરાબંધી કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer