પેગાસસ: સંસદમાં શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ

પેગાસસ: સંસદમાં શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ
સરકાર અવાજ દબાવી દેવા તત્પર : વિપક્ષ
આનંદ વ્યાસ
નવી દિલ્હી, તા. 3 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો પર સંસદ અને બંધારણનું અપમાન કરવાનો આક્ષેપ કરતાં તથા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ સરકાર પર તેમનો અવાજ દબાવી દેવાનો આક્ષેપ કરતાં સરકાર અને વિરોધી દળો વચ્ચે પેગાસસ મુદ્દે ચાલી રહેલું શાબ્દિક યુદ્ધ વધુ ઉગ્ર બન્યું હતું. આ પરિસ્થિતિ જોતાં સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે પેગાસસ મુદ્દે વહેલી તકે સમાધાન થાય એવું દેખાતું નથી. સરકારના કહેવા મુજબ ઈન્ફોર્મેશન ઍન્ડ ટેકનૉલૉજી પ્રધાને આ મુદ્દે સ્પષ્ટીકરણ આપી દીધું છે, પરંતુ વિરોધ પક્ષો ચર્ચાની માગણી કરી રહ્યા છે. સંસદમાં આ મડાગાંઠ વચ્ચે પેગાસસ વિવાદ મુદ્દે વિશેષ તપાસની માગણી કરતી પિટિશન્સની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટ એનું કેવું સંજ્ઞાન લે છે એ જોવું રહ્યું. આજે પણ સંસદનાં બંને ગૃહમાં શોરબકોર વચ્ચે કાર્યવાહી વારંવાર ખોરવાઇ હતી.
દરમિયાન સરકારે ફરી એકવાર વિરોધ પક્ષોની ધમાલ પર ધ્યાન આપ્યા વગર ધ એસેન્શિયલ ડિફેન્સ સર્વિસ બિલ 2021  લોકસભામાં મંજૂર ર્ક્યું હતું. બાવીસમી જુલાઈએ આ ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષોને મનાવવાના સરકારના પ્રયત્નો અત્યાર સુધી તો નિષ્ફળ રહ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ મંગળવારે સરકાર અને વિરોધ પક્ષો, બંનેને આ મડાગાંઠ ઉકેલવાની વિનંતી કરી હતી. નાયડુએ આ મુદ્દે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે સાંજે તેમણે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને સદનના નેતા પીયૂષ ગોયલ સાથે બેઠક યોજી હતી. કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહે સોમવારે કૉંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેને ફોન ર્ક્યો હતો, પરંતુ ખડગે સંસદમાં ચર્ચાની માગણી પર અડગ રહ્યા હતા.
------------
સંરક્ષણલક્ષી ખરડો ચર્ચા વિના પસાર !
શત્રોની ફેકટરીઓના ખાનગીકરણનો વિપક્ષનો આરોપ, સરકારનો બચાવ
નવી દિલ્હી, તા.3 : વિપક્ષી દળોના હંગામા, નારેબાજી વચ્ચે સરકારે મંગળવારે સંરક્ષણલક્ષી મહત્ત્વનો ખરડો અનિવાર્ય રક્ષા સેવા વિધેયક, ર0ર1 રજૂ કરી લોકસભામાં ચર્ચા કર્યા વિના જ પસાર કરી નાખ્યો હતો. જેનો વિપક્ષોએ જોરદાર વિરોધ કરી કહ્યંy કે ચર્ચા વિના ખરડા પસાર થવા ન જોઈએ પરંતુ સૌપ્રથમ પેગાસસ મામલે ચર્ચા કરવામાં આવે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશની સુરક્ષા બાબત આ ખરડાને મહત્ત્વનો ગણાવ્યો હતો.હથિયારો કે સંરક્ષણ ઉપકરણો, તેની સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તેને ધ્યાનમાં રાખીને આ ખરડો લાવવામાં આવ્યો છે. ઓર્ડિનન્સ ફેકટરીઓના યુનિયનો સાથે કર્મચારીઓ અંગે વાતચીત કરવામાં આવી છે. સંરક્ષણ બાબતના રાજ્યમંત્રી અજય ભટ્ટે ગૃહમાં ખરડો રજૂ કરતાં દાવો કર્યો કે આ ખરડાથી કર્મચારીનું હિત નહીં જોખમાય. જે વાંધો ઉઠાવાઈ રહ્યો છે તે નિરાધાર છે. ખરડામાં કયાંય મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી.
બીજીતરફ આરએસપીના લોકસભા સાંસદ એનકે રામચંદ્રને આરોપ લગાવ્યો કે સરકાર હથિયારોની ફેકટરીઓનું ખાનગીકરણ કરવા ઈચ્છે છે. આ ખરડો એટલા માટે લાવવામાં આવ્યો છે. તેનો ઈરાદો સ્ટ્રાઈકને રોકવાનો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ ખરડાનો વિરોધ કર્યો હતો.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer