સૌરાષ્ટ્રમાં માત્ર બે મળી ગુજરાતમાં કોરોનાના નવા ફક્ત 17 કેસ નોંધાયા

સૌરાષ્ટ્રમાં માત્ર બે મળી ગુજરાતમાં કોરોનાના નવા ફક્ત 17 કેસ નોંધાયા
-ગુજરાતના 90 ટકા ભાગમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં: 42 સાજા થયા
(ફૂલછાબ ન્યુઝ) અમદાવાદ, તા. 3: ગુજરાતમાંથી કોરોનાની બીજી લહેર અસ્ત થઈ રહી છે. આજે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી ફક્ત જામનગર અને જૂનાગઢમાં કોરોનાનો 1-1 નવો કેસ નોંધાયો હતો. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ર4 કલાકમાં નવા ફક્ત 17 કેસ સામે આવ્યા છે. આ સાથે ગુજરાતના 90 ટકા ભાગમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં 495 દિવસ એટલે કે દોઢેક વર્ષ પછી કોરોનાના નવા માત્ર 17 કેસ સામે આવ્યા છે. ગુજરાતના રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢ શહેરી વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ બન્યો નથી. આ પાંચ મહાનગર ઉપરાંત રાજ્યના 26 જિલ્લામાં પણ કોરોનાનો નવો કેસ આવ્યો નથી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં કુલ બે દર્દી સાજા થતા રજા અપાઈ હતી.
પાછલા ર4 કલાક દરમિયાન કોરોનાના 42 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ડીસ્ચાજ ઍ દર્દીની સંખ્યા 8 લાખ 14 હજાર 637 થઈ છે. ગુજરાતમાં હાલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી પાંચ દર્દી વેન્ટીલેટર પર છે.
વિતેલા 24 કલાક દરમિયાન નોંધાયેલા 17 કોરોનાના કેસમાં અમદાવાદમાં 5, સુરત અને વડોદરામાં 3-3, આણંદ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નવસારી અને પાટણમાં 1-1 કેસ નોંધાયો છે. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગિર સોમનાથ, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ મળીને કુલ 26 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી.
વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 3,43,187 વ્યક્તિઓને કોરોનાની પ્રથમ અને દ્વિતીય ડોઝની રસી અપાવા અત્યાર સુધી ગુજરાતમાં કુલ 3,44,19,588  વ્યક્તિઓને પ્રથમ અને દ્વિતીય ડોઝની રસી આપવામાં આવી છે.
પોરબંદરમાં કોરોનાના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો
પોરબંદર : પોરબંદર શહેર અને જિલ્લામાં કોરોનાના ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો બીજી બાજુ ચોમાસા જન્ય રોગચાળો ફેલાયો હોય તેમ શરદી-ઉધરસના કેસ ખૂબ જ વધ્યા છે તેથી કોરોનાની ત્રીજી લહેર આવે નહીં તે માટે તકેદારી જરૂરી બની ગઇ છે.
પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરતાં આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 135 લોકોના કોરોના ટેસ્ટ થયા છે. સામાન્ય રીતે દરરોજ 700થી 800 ટેસ્ટ થતા હતા. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ટેસ્ટ ઘટયા છે ત્યારે 300થી 400 ટેસ્ટ થતા હતા. હવે દોઢસોથી પણ ઓછા ટેસ્ટ થઇ રહ્યા છે. કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર 445 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer