મેટોડા પાસે ગમખ્વાર અકસ્માત: ચારનાં મૃત્યુ

મેટોડા પાસે ગમખ્વાર અકસ્માત: ચારનાં મૃત્યુ
-એસટી બસ સાથે કાર અથડાતા રાજકોટની હોમિયોપથી કોલેજના ચાર વિદ્યાર્થીનાં મૃત્યુ: ત્રણને ઇજા
(ફૂલછાબ ન્યુઝ) રાજકોટ, તા. 3: અહીંના કાલાવડ રોડ પરના મેટોડા જીઆઇડીસી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ ડિવાઇડર ટપીને કાર ધડાકા સાથે એસટી બસ સાથે અથડાતા અહીંની હોમિયોપથી કોલેજના ચાર વિદ્યાર્થીના મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતકમાં બે છાત્ર અને બે છાત્રાનો સમાવેશ થાય છે જ્યારે બસના બે મુસાફર સહિત ત્રણને ઇજા થઈ હતી. અકસ્માતનાં કારણે બસમાં ઘૂસી ગયેલી કારને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી અને કારનાં પતરાં કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ગોઝારી ઘટનામાં અહીં રંગોલી પાર્ક પાસેના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં 22 વર્ષના નિશાંત નીતિનભાઈ દાવડા, મવડીના આનંદ બંગલા ચોક પાસેના શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતાં 22 વર્ષના આદેશભારથી પ્રવીણભારથી ગોસ્વામી, કોઠારિયા રોડ પર નંદા હોલ પાસેના ભારતીનગરમાં રહેતી 22 વર્ષની ફોરમ હર્ષદભાઈ વાંગધરિયા અને રૈયા રોડ પરના નહેરુનગર શેરી નં.5માં રહેતી 22 વર્ષની સીમરન ઉમેદભાઈ ગીલાણીનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે તેની સાથે જ અભ્યાસ કરતી કૃપાલી ચેતનભાઈ ગજ્જર તથા બસમાં મુસાફરી કરી રહેલા કાલાવડના ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ અને જીવુબહેન બેચરભાઈને ઇજા થઈ હતી.
અહીંના ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસે આવેલી રાજકોટ હોમિયોપથી કોલેજમાં અભ્યાસ કરતા નિશાંત દાવડા, આદર્શભારથી ગોસ્વામી, ફોરમ વાંગધરિયા, સીમરન ગીલાણી અને કૃપાલી ગજ્જર કારમાં બેસીને લોધિકાના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા. બપોરે કારમાં બેસીને પાંચેય પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે મેટોડા જીઆઇડીસી નજીક વાજડી ગામ પાસે કારચાલકે ગમે તે કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડ ડિવાઇડર ઠેકીને સામેથી આવી રહેલી રાજકોટ-કાલાવડ રૂટની એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓ કાંઈ સમજે તે પહેલા આદર્શ ગોસ્વામી અને નિશાંત દાવડાના ઘટના જ સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે ફોરમ, સીમરન અને કૃપાલી તથા બસમાં મુસાફરી કરી રહેલા યુસુફઅલી અને જીવુબહેનને ઇજા થઈ હતી. એ પાંચેયને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સમયાંતરે ફોરમ અને સીમરને અંતિમ શ્વાસ લીધા હતા.
આ અકસ્માત એટલો જોરદાર હતો કે, રોંગ સાઇડમાં આવેલી કાર બસમાં ઘૂસી ગઈ હતી. આ બનાવની જાણ થતાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોધિકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.કે.જાડેજા અને તેમના મદદનીશ ઉપેન્દ્રસિંહ સહિતનો પોલીસ કાફલો પણ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને જેસીબીની મદદ લઈને બસમાંથી કારને બહાર કાઢી હતી. બુકડો બોલી ગયેલી કારનાં પતરાં કાપીને આદર્શ ગોસ્વામી અને નિશાંત દાવડાનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ પાંચેય વિદ્યાર્થી હોમિયોપથીનાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને અભ્યાસના ભાગરૂપે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા. મૃતકના ફોરમના પિતા મિત્રીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે એક ભાઈ કરતા મોટી હતી. આશાસ્પદ યુવાન પુત્રીનાં મૃત્યુના કારણે પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. આ બનાવની જાણ થતાં હોમિયોપથી કોલેજના વિદ્યાર્થીમાં પણ શોકની લાગણી પ્રસરી હતી. એવું અનુમાન કરવામાં આવે છે કે, કાર 100 કિલોમીટરથી વધુ સ્પીડમાં દોડતી હશે અને રસ્તા પર કોઈને બચાવવા જતાં કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બનાવ બન્યો હશે. હાલમાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer